જૂનાગઢમાંથી દોઢ લાખનાં મુદ્દામાલ સાથે ડ્રગ્સ પેડલર ઝડપાયો
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૪
જૂનાગઢ એસઓજીની ટીમે મજેવડી દરવાજા નજીકથી ચોકકસ બાતમીના આધારે રૂા.૧.૮રર કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢ એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે મજેવડી દરવાજા પાસે વોચ ગોઠવી આ ઓપરેશન પાર પાડયું હતું. જૂનાગઢ એસ.ઓ.જી.ના એએસઆઈ જીતેન્દ્રસિંહ ચૌહાણને ચોક્કસ બાતમી મળી હતી કે જમાલવાડી વિસ્તારનો સમીર ઉર્ફે છોટું ઈકબાલભાઈ પઠાણ ગાંજાનો જથ્થો લઈ વેચાણ કરવા માટે મજેવડી દરવાજાથી ભરડાવાવ જતા રોડ પર આવવાનો છે. આ બાતમીના આધારે પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. રાત્રિના આઠેક વાગ્યાના સુમારે જ્યારે આરોપી મેડિકલ કોલેજ તરફથી શંકાસ્પદ થેલી સાથે આવતો જણાયો, ત્યારે પોલીસે તેને કોર્ડન કરી તલાશી લીધી હતી. જેમાં તેની પાસેથી ૯૧,૧૦૦ રૂપિયાની કિંમતનો ૧.૮૨૨ કિલોગ્રામ વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી સમીર પઠાણની ધરપકડ કરી તેની પાસેથી ગાંજા ઉપરાંત ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનો સેમસંગ કંપનીનો એસ-૨૫ અલ્ટ્રા એન્ડ્રોઈડ ફોન પણ જપ્ત કર્યો છે. આમ, કુલ ૧,૪૧,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનામાં અન્ય બે શખ્સો પણ સંડોવાયેલા છે. જેમાં ‘ભુરા‘ નામનો શખ્સ અને તેની સાથે સ્વિફ્ટ કારમાં આવેલો એક અજાણ્યો માણસ હજુ પોલીસ પકડથી દૂર છે. આ ત્રણેય વિરુદ્ધ જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપી સમીર અગાઉ પણ નશીલા પદાર્થોના વેચાણના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે. જૂનાગઢમાં ડ્રગ્સના દૂષણને રોકવા માટે પીએસઆઈ ડી.કે. સરવૈયા સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લા પોલીસ દ્વારા આ તકે તમામ યુવાનો અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવા જીવલેણ નશીલા પદાર્થોથી દૂર રહે અને સમાજને ડ્રગ્સ મુક્ત બનાવવામાં સહયોગ આપે. પકડાયેલ આરોપી હવે જેલના સળિયા ગણશે અને બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


