જૂનાગઢમાં ‘ડિજિટલ યુગમાં સાહિત્ય અને પત્રકારત્વની બદલાતી ભૂમિકા’ પર સંવાદ, AI વચ્ચે પણ મૌલિકતા-દૃષ્ટિકોણનું મહત્વ અકબંધ
ગુજરાત પ્રેસ અકાદમી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘સર્જક સાથે સંવાદ’; નિષ્ણાતોએ કહ્યું- ટેકનોલોજીને અપનાવવી પડશે, પરંતુ ફેક્ટ-ચેકિંગ, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, ભાષા અને માનવીય સંવેદનશીલતાનો કોઈ વિકલ્પ નથી
જૂનાગઢ તા.૨૯
ગરવા ગિરનારની નિશ્રામાં સાહિત્ય, પત્રકારત્વ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બદલાતા સ્વરૂપને લઈને વિચારમંથન યોજાયું હતું. ગુજરાત પ્રેસ અકાદમી-ગાંધીનગર, IQAC, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને પ્રાદેશિક માહિતી કચેરી-જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લેંગ્વેજીસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ‘ડિજિટલ યુગમાં સાહિત્ય અને પત્રકારત્વની બદલાતી ભૂમિકા’ વિષય પર નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ, પત્રકારો અને માહિતી વિભાગના અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.
પરિસંવાદમાં ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવે, વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા તેમજ જાણીતા કોલમિસ્ટ અને લેખક હર્ષ મેસવાણિયાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચર્ચાનું મુખ્ય કેન્દ્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઝડપથી બદલાતી ટેકનોલોજી રહ્યું હતું. વક્તાઓએ ટેકનોલોજીને સર્જનાત્મક કાર્યમાં મદદરૂપ સાધન ગણાવતાં સાથે એ બાબત પર ભાર મૂક્યો હતો કે મૌલિકતા, સ્વતંત્ર દૃષ્ટિકોણ, ભાવ, અર્થઘટન અને સંવેદનશીલતામાં માનવીની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવેએ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરતાં જણાવ્યું હતું કે ડેટા અને શબ્દોના સમૂહ તરીકે AIની અનેક ખૂબીઓ છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે. તેમના મતે ટેકનોલોજી પાસે માનવી જેવા ભાવ, મૌલિકતા, સંવેદનશીલતા અને પોતાની આગવી શૈલી નથી. આ બાબતો માટે માનવીય સર્જનાત્મકતાનું મહત્વ જળવાઈ રહેવાનું છે.
માર્શલ મેકલૂહાનના જાણીતા વિચાર ‘મીડિયમ ઇઝ ધ મેસેજ’નો ઉલ્લેખ કરતાં તેમણે ડિજિટલ યુગમાં સંવાદનાં માધ્યમો અને તેમના સ્વરૂપમાં આવેલા ફેરફારોની ચર્ચા કરી હતી. ટીવી, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમન છતાં અખબારોનું અસ્તિત્વ જળવાઈ રહ્યું હોવાનું જણાવી તેમણે દ્વિમાર્ગી સંવાદ માટે અવકાશ આપતાં માધ્યમોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
જયેશ દવેએ ખાસ કરીને ડિજિટલ યુગમાં ભાષાની સજ્જતા જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમના મતે ભાષા માત્ર સંદેશ પહોંચાડવાનું સાધન નથી, પરંતુ વ્યક્તિત્વ અને સંસ્કૃતિ સાથે પણ જોડાયેલી છે. ભાષામાં વૈચારિક સંસ્કાર ઉમેરાય ત્યારે જ સાચા અર્થમાં સર્જન અને સંવાદનો સેતુ રચાય છે. જે પ્રદેશની ભાષા મજબૂત હોય તેની સંસ્કૃતિ પણ મજબૂત બને છે અને તેથી સંસ્કૃતિના જતન માટે ભાષાનું સંવર્ધન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ સમયની સાથે પરિવર્તનનું ચક્ર સતત ચાલતું હોવાનું જણાવી નવી ટેકનોલોજીથી ડરવાને બદલે તેને સમજવા અને અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે દરેક યુગમાં નવી ટેકનોલોજી આવી છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ આગામી સમયમાં નવા ફેરફારો તથા વર્ઝન આવતા રહેશે. પરિવર્તનને રોકવાને બદલે તેની સાથે જરૂરી બદલાવ લાવવા માટે તૈયાર રહેવું જરૂરી છે.
પત્રકારત્વમાં AI, મોબાઇલ અને ઇન્ટરનેટના કારણે અનેક કામ સરળ બન્યાં છે અને પરિશ્રમમાં ઘટાડો થયો છે. જોકે ટેકનોલોજીના સકારાત્મક પાસાઓનો લાભ લેવાની સાથે તેના જોખમો અંગે સાવધ રહેવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું. માહિતીનું પૃથક્કરણ, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, તથ્યોની તપાસ અને ઘટનાઓનું યોગ્ય અર્થઘટન આજે પણ પત્રકારત્વના મહત્વપૂર્ણ ભાગ છે.
કૌશિક મહેતાએ આ સંદર્ભમાં કહ્યું હતું કે ડિજિટલ યુગમાં પણ ‘કન્ટેન્ટ ઇઝ ધ કિંગ’નું મહત્વ યથાવત્ છે. ડિજિટલ મીડિયાનો વ્યાપ વધવાથી પ્રાદેશિક ભાષાઓને મોટો લાભ મળ્યો છે અને મીડિયા છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યું છે. તેમણે ભાષાને વધુ સરળ અને સામાન્ય લોકો સમજી શકે તેવી રાખવાની તરફેણ કરતાં જણાવ્યું હતું કે અન્ય ભાષાના પ્રચલિત શબ્દોને સ્વીકારવાથી બે પેઢી વચ્ચેનું ભાષાકીય અંતર પણ ઘટાડી શકાય છે.
જાણીતા કોલમિસ્ટ અને લેખક હર્ષ મેસવાણિયાએ ટેકનોલોજીના વિકાસથી સર્જાયેલી તકો અને પડકારોની વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે કમ્પ્યુટરના પ્રારંભિક વિકાસથી લઈને આજના લેપટોપ, નાની સ્ક્રીન, AI અને રોબોટિક્સ સુધીના પરિવર્તનોનો ઉલ્લેખ કરીને ભવિષ્યમાં ટેકનોલોજી માનવીના રોજિંદા જીવનમાં હજુ વધુ ઊંડે પ્રવેશ કરશે તેવી વાત કરી હતી.
હર્ષ મેસવાણિયાએ જણાવ્યું હતું કે AIની ઝડપ અને કાર્યક્ષમતા ગમે તેટલી વધી જાય, પરંતુ માનવીની મૌલિકતા અને ગ્રાઉન્ડ લેવલના કાર્યનું મહત્વ ખતમ થવાનું નથી. મોટા કાર્યક્રમોમાં ઘટનાસ્થળે હાજર રહીને વાતાવરણ, લોકોની પ્રતિક્રિયા અને આસપાસની બારીક વિગતોને સમજી તેનું રિપોર્ટિંગ કરવાની ક્ષમતા માનવીય પત્રકાર પાસે રહે છે. AI ઉપલબ્ધ ઓડિયો, વીડિયો કે ડેટામાંથી ટેક્સ્ટ તૈયાર કરી શકે છે, પરંતુ મેદાનની વાસ્તવિક પરિસ્થિતિનો માનવીય અનુભવ તેની પાસે હોતો નથી.
તેમણે પત્રકારત્વ અને સાહિત્યમાં AIથી તૈયાર થયેલા કન્ટેન્ટમાં શું રહી ગયું છે તે ઓળખીને પોતાનો સ્વતંત્ર દૃષ્ટિકોણ અને નવો એંગલ ઉમેરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોઈપણ સામગ્રીની ચકાસણી, મૌલિક સર્જન અને સંવેદનશીલ અર્થઘટન અંતે માણસની જવાબદારી રહેવાની હોવાનું તેમણે જણાવ્યું હતું.
AIના યુગમાં ‘ફેક્ટ-ચેકિંગ’ની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બનશે તેમ જણાવતાં હર્ષ મેસવાણિયાએ કહ્યું હતું કે ટેકનોલોજી કેટલીક વખત ભ્રમ પણ ઊભો કરી શકે છે. તેથી માત્ર નવી માહિતીથી ‘અપડેટ’ રહેવા કરતાં નવી સ્કિલ્સ શીખીને સતત પોતાને ‘અપગ્રેડ’ કરતા રહેવાની જરૂર છે.
તેમણે ઉમેર્યું હતું કે મશીન શબ્દોને ઓળખી અને ગોઠવી શકે છે, પરંતુ શબ્દોના ભાવ અને સંદર્ભનું અર્થઘટન માનવી જ કરી શકે છે. સાધનો ગમે તેટલા બદલાય છતાં માનવીય ચૈતન્ય, મૌલિક લખાણ અને આગવા દૃષ્ટિકોણનું મહત્વ અકબંધ રહેશે. AI મદદરૂપ બની શકે છે, પરંતુ તેને શું કરવાનું છે તેની દિશા અને કમાન્ડ અંતે માણસે જ આપવાની રહે છે.
કાર્યક્રમ દરમિયાન માહિતી ખાતાની પ્રેસનોટના લખાણની ગુણવત્તામાં આવેલા સુધારા અંગે પણ ચર્ચા થઈ હતી. સાથે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ વચ્ચે ભાષાની ગુણવત્તા, તથ્યોની ચકાસણી અને મૌલિક અભિવ્યક્તિને જાળવી રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. સુહાસ વ્યાસે કુલપતિ પ્રોફેસર ડૉ. પ્રતાપસિંહ ચૌહાણનો સંદેશ રજૂ કરતાં વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્યમાં સતત વધારો થાય તેવા કાર્યક્રમોને સહયોગ આપવાની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન વક્તાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરીનો સંવાદ પણ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત મીનરાજ શૈક્ષણિક સંકુલની બાળાઓ દ્વારા ગણેશ વંદનાથી કરવામાં આવી હતી. અંતે જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક એન.એમ. મહેતાએ આભારવિધિ કરી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન માહિતી મદદનીશ જલકૃતિ મહેતા અને હિરેન અમરેલીયાએ કર્યું હતું.
આ પ્રસંગે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના નાયબ માહિતી નિયામક પ્રશાંત ત્રિવેદી, જામનગરના નાયબ માહિતી નિયામક સોનલ જોષીપુરા, કચ્છના નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, અમરેલીના નાયબ માહિતી નિયામક પ્રિયંકાબેન પરમાર, ભાવનગરના નાયબ માહિતી નિયામક રેશુંગ ચૌહાણ, બોટાદના સહાયક માહિતી નિયામક સપનાબેન ભટ્ટી, મોરબીના સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરા અને રાજકોટના સહાયક માહિતી નિયામક રાધિકાબેન વ્યાસ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


