જૂનાગઢ જીલ્લામાં આજથી ધો. ૧૦ -૧રની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

જૂનાગઢ જીલ્લાનાં કુલ ૩૯ર૯૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે : શાંતિપૂર્ણ પરીક્ષા યોજાય તે માટે તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા

જૂનાગઢ જીલ્લામાં આજથી ધો. ૧૦ -૧રની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

જૂનાગઢ તા. ર૬
જૂનાગઢ જીલ્લા સહીત રાજયભરમાં ધો.૧૦ અને ધો.૧રની બોર્ડની પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે. પરીક્ષા કેન્દ્રો ઉપર સવારે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતાં. જૂનાગઢ જીલ્લાનાં પરીક્ષા કેન્દ્રો ઉપર નિયત સમયે વિદ્યાર્થીઓને વાલીઓની ઉપસ્થિતિ રહી હતી. સમય થતાં પ્રવેશ દ્વાર ખોલવામાં આવતાં જ કુમકુમ તિલક સાથે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતાં.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ તા.ર૬ ફેબ્રુઆરીને ગુરૂવારથી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડની પરીક્ષાનો શુભારંભ કરવામાં આવેલ છે. આ પરીક્ષા તા.૧૮ માર્ચ સુધી યોજાશે. જૂનાગઢ જીલ્લામાં ધો.૧૦નાં ર૪૭૭૩, ધો.૧ર કોમર્સનાં ૧૧૭૬૯ અને સાયન્સનાં ર૭પ૪ સહીત કુલ ૩૯ર૯૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. કેશોદ અને જૂનાગઢ બે ઝોનમાં ૩૮ પરીક્ષા કેન્દ્રોનાં ૧૪૯ બિલ્ડીંગનાં ૧૩૩૦ બ્લોકમાં પરીક્ષા યોજાઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ વિદ્યાર્થીઓને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે જૂનાગઢ જીલ્લામાં પરીક્ષા કેન્દ્રો ખાતે ર૦૦ પોલીસ અને ૧૦૦ હોમગાર્ડ સહીત ૩૦૦ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે. સવારનાં ૧૦ થી ૧ ધો.૧૦ની પરીક્ષા અને બપોરનાં ૩ થી ૬ ધો.૧રની પરીક્ષા આજે યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાને લઈને ઉત્સાહ પ્રવર્તી રહયો છે.