જૂનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ પદનો તાજ કોના શિરે ?
પ્રથમ ટર્મ સામાન્ય મહિલા માટે અનામત હોય ૭ મહિલા ઉમેદવારો વચ્ચે પ્રમુખ પદ માટે સ્પર્ધા
જૂનાગઢ તા.ર૯
જૂનાગઢ જીલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે અને સત્તાનું સિંહાસન મેળવવાની કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. જીલ્લા પંચાયતમાં આ વખતે પ્રથમ ટર્મ માટે મહિલા અનામત હોય, ત્યારે પ્રમુખ પદે કોણ બીરાજમાન થશે તે અંગેની ગણતરીઓ મંડાઈ રહી છે તેમજ આ અંગે અટકળો પણ શરૂ થઈ છે. જૂનાગઢ જીલ્લા પંચાયતમાં ભાજપમાં ૭ સામાન્ય મહિલા ઉમેદવારો વિજેતા બન્યા છે ત્યારે કોની પસંદગી થશે તેવો સવાલ આજે સર્વત્ર ચર્ચાઈ રહ્યો છે.
જૂનાગઢ જીલ્લા પંચાયતમાં ગત પાંચ વર્ષ દરમ્યાન ભાજપનું શાસન રહ્યું હતું અને છેલ્લી ટર્મમાં જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હરેશભાઈ ઠુંમરએ ચાર્જ સંભાળ્યો હતો. જૂનાગઢ જીલ્લા પંચાયતની મુદત પૂર્ણ થતાં સ્થાનિક સ્વરાજની સંસ્થા માટેની ચૂંટણીઓ જૂનાગઢ સહિત રાજયભરમાં યોજવામાં આવી હતી અને ગઈકાલે તેના પરિણામ પણ જાહેર થતા જૂનાગઢ જીલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને ર૩ બેઠકો મળી છે જયારે આમ આદમી પાર્ટીને ૭ બેઠકો મળી છે. પરિણામ જાહેર થયા બાદ શાસનભાર સંભાળવા માટેની કવાયતો હવે આગામી દિવસોમાં થશે અને પ્રમુખ પદ માટે ધમાસાણ થશે. આ વખતે પ્રથમ ટર્મ માટે સામાન્ય મહિલા ઉમેદવાર જ પ્રમુખ બની શકે તેવા સમીકરણો હોવાથી હાલ ૭ મહિલાઓના નામ ચર્ચામાં છે. જે અંગેના પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર અગતરાય બેઠકના સરોજબેન અશ્વિનભાઈ ખટારીયા, અમરાપુર ગીરના નીમુબેન રામસિંગભાઈ ચૌહાણ, બીલખા બેઠકના સભ્ય ચંપાબેન કિશોરભાઈ ઠુમર, કુકસવાડાના અસ્મીતાબેન ચેતનકુમાર ચૌહાણ, મટીયાણા સીટના હર્ષાબેન વિનોદભાઈ સવસાણી, મેખડી સીટના વનિતાબેન સોમતભાઈ વાસણ, મેંદરડા સીટના અસ્મીતાબેન હરેશભાઈ ઠુંમર અને સરસઈ સીટના લીનાબેન વિપુલકુમાર કાવાણીના નામોની ચર્ચા થઈ રહી છે. દરમ્યાન સૌથી વધારે શકયતા રહી છે જેમાં જૂનાગઢ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુંમરના પત્ની અસ્મીતાબેન ઠુંમર તેમજ પૂર્વ ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણીના પત્ની લીનાબેન કાવાણી અને આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમરના પુત્રવધુ ચંપાબેન ઠુંમરના નામો મોખરે હોવાનું ચર્ચાય છે.
દરમ્યાન રાજકીય નિષ્ણાંતોમાં થઈ રહેલી ચર્ચા અનુસાર જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હરેશભાઈ ઠુંમર રહી ચુકયા છે અને એટલા માટે તેમના પરિવારના સભ્યને પ્રમુખ પદ માટે પસંદ ન પણ કરે જયારે પૂર્વ ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણીના પત્ની ને પણ આ જ કારણસર ન પસંદ કરે તેવી પણ શકયતા છે. જૂનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખપદનો તાજ માજી ધારાસભ્ય રત્નાભાઈ ઠુંમરના પુત્રવધુ ચંપાબેન ઠુંમરના શીરે આવે તેવી પ્રબળ શકયતા રહેલી છે. જાેકે, ચંપાબેન ઠુંમરના પતિ કિશોરભાઈ ઠુંમર પણ અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચુકયા છે. હાલ તો જૂનાગઢ જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખ કોણ ? તેવા પ્રશ્ન સાથે ૭ મહિલા ઉમેદવારમાંથી પસંદગી કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.


