ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ દ્વારા સોમનાથ મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના

‘સોમનાથ વર્તમાન’ ઈ-પત્રિકા અને ‘સ્વાભિમાન પર્વ’ વિશેષ પૂજા બુકિંગનો કરાવ્યો શુભારંભ

ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ દ્વારા સોમનાથ મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના

ગીર સોમનાથ, તા.28
ભારત સરકારના ગૃહ અને સહકારીતા મંત્રી તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી માનનીય અમિતભાઈ શાહ સાહેબ આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં દર્શનાર્થે પધાર્યા હતા. શ્રદ્ધા, સ્વાભિમાન, અને સમર્પણના ત્રિવેણી સંગમ સમાન આ મુલાકાત દરમિયાન તેઓએ સજોડે મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.

શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહાપૂજા, પાઘ અને ધ્વજા પૂજા:
માનનીય અમિતભાઈ શાહે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી સજોડે ધ્વજા પૂજા, પાઘ પૂજા અને સોમેશ્વર મહાપૂજા કરી હતી. આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવને એક વિશેષ ‘મરાઠી પાઘ’ અર્પણ કરી હતી જેની વિશેષતા એ હતી કે આ પાઘ ભારતીય સ્વરાજ્યના સ્વપ્નદૃષ્ટા અને પરમ શિવભક્ત છત્રપતિ શિવાજી મહારાજની પાઘડીની શૈલીમાં નિર્માણ કરાયેલ હતી. જેમાં ચાંદી અને કીમતી વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પૂજા બાદ માનનીય અમિતભાઇ શાહએ સ્વહસ્તે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરીને ધર્મધજા લહેરાવી હતી. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ અને જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા દ્વારા માનનીય અમિતભાઈ શાહ સાહેબનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

‘સોમનાથ સ્વાભિમાન પર્વ - વિશેષ મહાપૂજા’ ના બુકિંગનો પ્રારંભ:
શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાહનના આધારે ટ્રસ્ટ દ્વારા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ - વિશેષ મહાપૂજા’નું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય અમિતભાઈ શાહના હસ્તે આ પૂજાના બુકિંગનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પૂજાના બુકિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, આ પુજા કરાવનાર યજમાનો ભક્તો ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પરથી  પુજા નોંધાવી પુજા નો લાભ લઇ શકશે. આ વિશેષ પૂજા 11 મે, 2026થી શરૂ થનાર છે. 
આ વિશેષ પૂજામાં: પંચામૃત, દૂધ, ધાન્ય અને પવિત્ર ગંગાજળથી મહાદેવનો મહાઅભિષેક,મહાદેવને ધોતી, ઉપવસ્ત્ર, રુદ્રાક્ષની માળા અને જનોઈ તેમજ માતા પાર્વતીને સાડી અને અખંડ શૃંગાર અર્પણ કરવામાં આવશે. મહામૃત્યુંજય મંત્રના જાપ, રાજભોગ-થાળ, અને દીપમાળા અર્પણ સહિત ટ્રસ્ટની ગૌશાળામાં નંદી અને ગૌ-પૂજન તેમજ તીર્થના સેવકોનું વિશેષ પૂજન અને બ્રાહ્મણ ભોજન પણ પૂજામાં સમાવિષ્ટ છે.

ડિજિટલ માધ્યમથી સંસ્કૃતિનો પ્રસાર: "સોમનાથ વર્તમાન" ઈ-મેગેઝિનનું લોકાર્પણ:
સનાતન જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિના ગૌરવશાળી વારસાને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવા માટે માનનીય અમિતભાઈ શાહે સોમનાથ ટ્રસ્ટની ત્રિમાસિક ઈ-પત્રિકા "સોમનાથ વર્તમાન" નું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના દાર્શનિક નેતૃત્વ હેઠળ તૈયાર થયેલી આ પત્રિકામાં વેદ-વેદાંગ અને પ્રાચીન ભારતીય જીવન દર્શનના જ્ઞાનસભર લેખોનો સમાવેશ કરવામાં આવશે. આ પત્રિકા વિશ્વભરના ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પર નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી નવી પેઢીને પૌરાણિક જ્ઞાન સાથે જોડવાનો આ એક સ્તુત્ય પ્રયાસ છે.
ગીર સોમનાથ જિલ્લામાં ક્ષય રોગ (ટીબી) નિવારણ અભિયાનને વેગ આપવા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક સરાહનીય અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. આ ખાસ પ્રસંગે, ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓના સારા સ્વાસ્થ્ય અને ઝડપી રિકવરી માટે માનનીય અમિતભાઈ શાહના વરદ હસ્તે વિશેષ પોષણક્ષમ કીટ (Nutritional Kits) નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના પરિવાર અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પુનિત અવસરમાં જોડાયા હતા.