જૂનાગઢ શહેરમાં અદ્યતન ટેકનોલોજીથી સારા રસ્તા બનાવવાનું સ્ટેન્ડીંગ કમીટીએ આપેલું વચન કયારે પૂર્ણ થશે ?

જૂનાગઢ શહેરમાં અદ્યતન ટેકનોલોજીથી સારા રસ્તા બનાવવાનું સ્ટેન્ડીંગ કમીટીએ આપેલું વચન કયારે પૂર્ણ થશે ?
NEWS 18 GUJARATI

જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ શહેરની જનતા ખરાબ રસ્તાની સમસ્યાથી પીડાઈ રહી છે બરાબર એ જ ટાંકણે ગઈકાલે સ્ટેન્ડીંગ કમીટીની મળેલી બેઠકમાં શહેરનાં વિકાસ માટે રૂા. ૩ર૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. અને તેમાં પાંચ વર્ષની ગેરંટીવાળા રોડ પીસીકયુ પધ્ધતિથી બનાવવામાં આવશે અને જેના માટે રૂા. ૮પ કરોડનું અલગથી બજેટ ફાળવવામાં આવ્યું છે. સ્ટેન્ડીંગ કમીટીએ આ ઉપરાંત પણ રૂા. ૪૦ કરોડનાં પેવર રોડ બનાવવાની મંજુરી આપી દીધી છે. અને શહેરીજનો માટે સારા રસ્તા બનાવી આપશે તેવા વચનની લ્હાણી કરવામાં આવી છે. તો બીજી તરફ જૂનાગઢમાં પાંચ વર્ષની ગેરંટીવાળા રૂા. ૮૪ કરોડનાં રોડનું દિવાસ્વપ્ન સ્ટેન્ડીંગની બેઠકમાં બતાવવામાં આવ્યું છે. પરંતુ આ રસ્તા કયારે સારા બનશે તેનો કોઈ નિશ્ચિત સમયગાળો દર્શાવવામાં આવ્યો નથી. અને જેને લઈને લોકોને તો કયારે સારા રસ્તા બનશે તે અંગેની રાહ જ જાેવાની રહે છે તેવી આમજનતામાં ભારે ચર્ચા થઈ રહી છે. 
જૂનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમીટીની અત્યાર સુધીમાં જયારે પણ બેઠકો મળી છે ત્યારે એજન્ડાની આઈટમોને મોટાભાગે બહાલી આપવામાં આવે છે. અને જુની બેઠકોમાં જે ઠરાવો પાસ કરાવવામાં આવ્યા હતાં તે અંગેનાં કામો હજુ મોટાભાગના અધ્ધરટલે છે. અને તેવામાં ફરી પાછી બેઠક મળે ત્યારે કાગળ ઉપર વધુને વધુ વિકાસ કામો દર્શાવવામાં આવતા હોવાનાં કારણે લોકોમાં પણ રોષની લાગણી પ્રગટી છે. હાલ તો એક જ મુદાનો કાર્યક્રમ છે કે જૂનાગઢ શહેરનાં ભંગાર બની ગયેલા અને ખાડાનગરમાં ફેરવાઈ ગયેલા આ શહેરની જનતાને સારા રસ્તાની જરૂર છે. પરંતુ સ્ટેન્ડીંગ કમીટી તો માત્રને માત્ર વાતોના વડા કરી રહયું હોવાનું સામે આવ્યું છે. રસ્તાનાં પ્રશ્ને નજીકનાં સમયમાં કામગીરી કરવામાં આવે અને જૂનાગઢ શહેરને સારા રસ્તા મળશે તો લોકો શાસકોને ફુલડે વધાવશે પરંતુ તેમાં કાર્યપધ્ધતિ, સંકલ્પ સિધ્ધિ અને મકકમ નિર્ધાર હોય તો જ આ શકય બનશે તેવું લોકોમાં ચર્ચાય છે.