ટ્રમ્પ હૈ કે માનતા નહીં... ભારત સહિત 60 દેશો પર 12.5 ટકા ટેરિફ ઝીંકશે

ટ્રમ્પ હૈ કે માનતા નહીં... ભારત સહિત 60 દેશો પર 12.5 ટકા ટેરિફ ઝીંકશે

વોશિંગ્ટન તા.3
અમેરિકાએ ભારત સહિત 60 દેશો પર આરોપ લગાવ્યો છે કે આ દેશોમાં બળજબરીપૂર્વક મજૂરી કરાવીને સામાન તૈયાર કરવામાં આવે છે. હવે નવા પ્રસ્તાવ અનુસાર આ દેશોના ઉત્પાદનો પર 10 થી લઈને 12.5 ટકાનો વધારાનો ટેરિફ લગાવવામાં આવશે.
એક તરફ ભારત અને અમેરિકાએ વચગાળાના વેપાર કરાર ફ્રેમવર્ક તૈયાર કરવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ફરી એકવાર ટેરિફ બોમ્બ ફોડવાની તૈયારી કરી લીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિની સરકારે ભારત સહિત ડઝનબંધ મોટા વેપારી ભાગીદાર દેશોના ઉત્પાદનો પર 10% કે તેથી વધુ વધારાનો ટેરિફ (આયાત શુલ્ક) લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પગલું ભરવા પાછળ અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે આ દેશોમાંથી આવતો કેટલાક સામાન બળજબરીપૂર્વક મજૂરી (ફોર્સ્ડ લેબર) દ્વારા બનાવવામાં આવ્યો હોઈ શકે છે. આજે અમેરિકી વેપાર પ્રતિનિધિ કાર્યાલય (યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવની ઓફિસ) દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કેનેડા, મેક્સિકો, તાઇવાન, યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) અને કેટલાક અન્ય દેશો પર 10 ટકા વધારાની ટેરિફ લગાવવામાં આવશે. આરોપ છે કે આ દેશોએ બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલા સામાનની આયાત પરના પ્રતિબંધને યોગ્ય રીતે લાગુ કર્યો નથી. રિપોર્ટ અનુસાર ચીન, જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લેન્ડ સહિતના અન્ય ઘણા દેશો પર 12.5 ટકા વધારાની ટેરિફ લગાવવામાં આવશે.