‘‘ઢોલકનું ઢીંગાણું’’ જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ઢોલકવાદક હાજી રમકડુ પદ્મમશ્રી એવોર્ડથી સન્માનીત

‘‘ઢોલકનું ઢીંગાણું’’ જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ઢોલકવાદક હાજી રમકડુ પદ્મમશ્રી એવોર્ડથી સન્માનીત

જૂનાગઢ તા. ર૬
જૂનાગઢ સહીત દૂર દૂર સુધી જેઓની ખ્યાતિ ફેલાયેલી છે અને કલા ક્ષેત્રે ઢોલકવાદક દ્વારા સારી એવી નામના પ્રાપ્ત કરી છે એવા જૂનાગઢનાં સુપ્રસિધ્ધ કલાકાર હાજીભાઈ કાસમભાઈ મીર (હાજી રમકડુ)ને પદ્મમશ્રી એવોર્ડ ર૦ર૬થી સન્માનીત કરવામાં આવી રહેલ છે ત્યારે તેમનાં લાખો ચાહકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. અને તેઓને અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.
જૂનાગઢમાં ઢાલરોડ ઉપર દુધીવાડા ચોકમાં રહેતા અને કલાક્ષેત્રે ઢોલકવાદક તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત બનેલા હાજીભાઈ કાસમભાઈ મીર કે જેઓ હાજી રમકડુના નામથી પ્રખ્યાત છે. અને તેઓએ પ૦ વર્ષ ઉપરાંત કલા ક્ષેત્રે વિતાવ્યા છે. દરમ્યાન ગુજરાતનાં ૩ કલાકારોની પદ્મમશ્રી એવોર્ડ ર૦ર૬ માટે પસંદગી થઈ છે તેમાં હાજી રમકડુની પણ પસંદગી થતાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. માત્ર ૯ વર્ષની નાની ઉંમરે હાથમાં ઢોલક પકડનાર હાજીભાઈ આજે ૮૦ વર્ષની વયે પણ તેટલા જ ઉત્સાહથી તબલાનાં તાલે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. 
તેમનાં દાદા અને પિતા પણ નવાબનાં સમયમાં રિયાસત માટે તબલા વગાડતા હતાં. આમ સંગીત તેમને વારસામાં મળેલ છે. એમ કહેવાય છે કે કોઈપણ ભજનનાં કાર્યક્રમ, સંતવાણીનાં કાર્યક્રમ કે લોક ડાયરો હાજી રમકડુના ઢોલકવાદન વિના અધુરો ગણાય. પ્રાણલાલ વ્યાસથી લઈ નામી કલાકારો સાથે જેઓએ ઢોલક વગાડી અને જાહેર કાર્યક્રમોને જીવંત બનાવી દીધો હતો. તેવા ઉત્કૃષ્ટ કલાકાર એટલે આપણા જૂનાગઢનાં હાજી રમકડુ. આ કલાકારને તેમની કલાની કદર કરી અને પદ્મમશ્રી એવોર્ડથી પસંદગી કરવામાં આવી છે ત્યારે હાજી રમકડુ અને તેમનાં પરીવાર માટે ગૌરવની ક્ષણ છે. તેટલી જ જૂનાગઢ માટે પણ આનંદની ક્ષણ છે. હાજી રમકડુને તેમનાં ચાહકો, સ્નેહીઓ અને બહોળા મિત્ર સમુદાય દ્વારા શુભેચ્છા અને શુભકામના પાઠવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર ભૂમિ પરીવાર પણ જૂનાગઢનાં આ કલાકારને હાર્દિક શુભકામના પાઠવવામાં આવી છે.