દ્વારકાના રૂપેણ બંદર નજીકથી રૂા.61 લાખની કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો ઝડપાયો
(બ્યુરો) દ્વારકા તા.16
દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર નજીકથી એસ.ઓ.જી. પોલીસે બિનવારસુ હાલતમાં 1230 ગ્રામ ચરસ ઝડપી પાડ્યું છે, જેની કિંમત 61.50 લાખ છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગુજરાતનો લાંબો દરિયાકાંઠો નશાના સોદાગરો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો હોય તેમ વધુ એકવાર દ્વારકાના દરિયાકાંઠેથી ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (ર્જીંય્) પોલીસને પેટ્રોલિંગ દરમિયાન રૂપેણ બંદર નજીકથી કરોડો રૂપિયાની કિંમતનું ચરસ મળી આવતા કાયદાકીય એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મળતી વિગતો અનુસાર, SOG પોલીસની ટીમ જ્યારે રૂપેણ બંદર વિસ્તારમાં સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગમાં હતી, ત્યારે દરિયાકાંઠે બિનવારસુ હાલતમાં શંકાસ્પદ એક પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટની તપાસ કરતા તેમાંથી 1230 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચરસની કિંમત આશરે 61 લાખ 50 હજાર રૂપિયા હોવાનું આંકવામાં આવ્યું છે. પોલીસનું અનુમાન છે કે, દરિયામાં કે દરિયાકાંઠે કડક સુરક્ષા જોઈને પકડાઈ જવાના ડરથી કોઈ અજાણ્યો શખ્સ આ જથ્થો અહીં જ છોડીને ભાગી ગયો હોઈ શકે છે.


