નરસિંહ મહેતા સરોવર બ્યુટીફીકેશનમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડયા : વિપક્ષ દ્વારા તપાસની માંગ

રૂા. 68 કરોડનાં ખર્ચે નવનિર્માણ પામેલા તળાવમાં વિવિધ કામગીરીમાં વ્યાપક નાણાંકીય ગેરરીતી : તળાવમાં રેતી, માટી નાખવાના પણ પૈસા અને તળાવમાંથી પાછી રેતી કાઢવાના પણ રૂપિયા ચુકવાયા દલા તરવાડીનો ખેલ !

નરસિંહ મહેતા સરોવર બ્યુટીફીકેશનમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડયા : વિપક્ષ દ્વારા તપાસની માંગ

જૂનાગઢ તા 8
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા અને નવનિર્મિત પામેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશનના કામના ભ્રષ્ટાચારના પોપડા ઉખડયા છે. બ્યુટીફીકેશન અંતર્ગત વિવિધ કામગીરીમાં પણ નાણાનો વ્યાપક દુરઉપયોગ, કરોડોનું આંધણ અને આડેધડ કામગીરી કરવામાં આવી હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે બ્યુટીફીકેશનના કામમાં કથિત ભ્રષ્ટાચાર બાબતે મનપા વિરોધ પક્ષના નેતા લલીત પણસારા દ્વારા ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. અને જવાબદારો સામે પગલા ભરવા રજુઆત કરવામાં આવી છે.
નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશન અંતર્ગત રૂા. 48 કરોડની ફાળવણીનો ટાર્ગેટ નકકી થયો હતો ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા રૂા. 57 કરોડ દર્શાવવામાં આવ્યા હતાં. અને કોન્ટ્રાકટરે રૂા. 60 કરોડમાં કામગીરી કરી હોવાનો દાવો થઈ રહયો છે. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા વધારાના રૂા. 8 કરોડ મંજુર કરાતા કુલ રૂા. 68 કરોડના ખર્ચે વિવિધ કામગીરી કરવામાં આવી હતી. જેમાં આઈલેન્ડ, વોક-વે તેમજ સુવિધાઓ બાબતે અને વિવિધ કામગીરીમાં બેફામ ખર્ચા કરવામાં આવ્યો હતો. અને ચાર માસ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે લોકાર્પણ થયાના માત્ર થોડા જ મહિનામાં જુદા જુદા કામો સામે સવાલ ઉઠવા પામ્યા છે. ખાસ કરીને અહી આવનારા લોકો માટે બેસવા માટે પાળી બનાવવામાં આવેલ છે તેના પોપડા પોપડા ઉખડવા માંડયા છે. અને નબળી કામગીરી સામે આવી છે. તેમજ લોકાર્પણ કરી નાખ્યા બાદ હવે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. તે અંગે પણ તીવ્ર આક્રોષ ઉઠવા પામેલ છે. વિરોધ પક્ષના નેતા લલીત પણસારાએ જણાવેલ છે કે તળાવમાં માટી અને રેતી નાખવાની કામગીરી અંતર્ગત માટી-રેતી બહાર ગામથી મંગાવવામાં આવેલ છે. અને 8 થી 10 કરોડ રૂપિયાના બીલો મુકવામાં આવ્યા હતાં. તેમજ હવે તળાવ સાંકડું દેખાય છે ત્યારે તેમાંથી ફરી માટી અને રેતી કાઢવાની કામગીરીએ પણ રૂપિયા આપીને કરવામાં આવે છે. તમામ કામગીરીમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર થયો છે તેવો આક્ષેપ કરેલ છે. ફુલજાડ વાવવામાં પણ વધારે રૂપિયા દઈ અને ભ્રષ્ટાચાર આચર્યો છે તેવા આક્ષેપ સાથે વિપક્ષના નેતા લલીતભાઈ પણસારા દ્વારા ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરવામાં આવી છે.