નવીબંદરમાં ટ્રાફિક પોલીસનો સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૪
પોરબંદર જિલ્લામાં માર્ગ અકસ્માતો અટકાવવા અને નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી પોલીસ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા પોરબંદર તાલુકાના નવીબંદર ગામે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજી ગ્રામજનોને માર્ગ સલામતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના સૂચન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નવીબંદર ગામના સરપંચ અમિતભાઈ કાણકિયાની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ સરપંચને સાથે રાખીને ગ્રામજનોને એકત્રિત કરી ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી અંગે જરૂરી સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રામજનોને હાઈવે પર વાહન ચલાવતી વખતે રાખવાની જરૂરી સાવચેતીઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વાહન હંમેશાં પોતાની નિયત લેનમાં ચલાવવું, ગતિમર્યાદાનું પાલન કરવું, ઓવરટેક કરતી વખતે પૂરતી તકેદારી રાખવી, આગળના વાહનથી સલામત અંતર જાળવવું તેમજ રાત્રિના સમયે અને વળાંકવાળા માર્ગો પર વિશેષ સાવચેતી રાખવી જેવી બાબતો સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત, ટુ-વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવું, ફોર-વ્હીલર ચાલકોએ સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો અને રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી દૂર રહેવું સહિતના ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે ગ્રામજનોને સમજાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું પાલન માત્ર કાયદાકીય જવાબદારી નથી, પરંતુ પોતાના સહિત અન્ય લોકોના અમૂલ્ય જીવનની સુરક્ષા માટે પણ અત્યંત આવશ્યક છે. વાહનચાલકની થોડી બેદરકારી પણ ગંભીર માર્ગ અકસ્માતનું કારણ બની શકે છે. તેથી દરેક વાહનચાલકે જવાબદારીપૂર્વક, ધીરજપૂર્વક અને સાવચેતી સાથે વાહન ચલાવવું જોઈએ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામજનોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાનો, ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવી માનવજીવનનું રક્ષણ કરવાનો હતો.


