ફ્રીઝ-વોટરકૂલરના આધુનિક યુગમાં કુદરતી ઠંડા પાણીના સ્ત્રોત માટલાનું મહત્ત્વ હજુ યથાવત
ધોમ-ધખતો ઉનાળો અને પાણી એ બંને એક બીજા સાથે અત્યંત ગાઢ રીતે જાેડાયેલ છે. ધોમ-ધખતા તાપમાં જ્યારે શરીરમાંથી પરસેવારૂપી પાણીની જાવક વધુ પ્રમાણમાં થતી હોય છે તો બીજી તરફ ગરમીને લઈ શરીરમાંથી પ્રવાહીની ઉણપ સ્પષ્ટ જણાઈ આવતી હોય છે. તેમાંય ગળું સૂકાઈ જવાની સાથે જ પાણી ઉપલબ્ધ ના થાય તો હાલત ખરાબ થઈ જતી હોય છે. આવી સ્થિતિમાં પાણી અત્યંત આવશ્યક હોય છે અને તેમાં પણ પાણી ઠંડું શીતળ હોય તેવી અદમ્ય ઈચ્છા દરેક મનુષ્યની હોય છે. તેને લઈને જ ઉનાળાની સિઝનમાં અત્યંત જરૂરી એવા પાણી માટે અને તેમાં પણ ઠંડા-શીતળ પાણી માટે લોકો વિવિધ પ્રકારના પ્રયાસો કરતા હોય છે. જરૂર પડે દેવું કરીને પણ ફ્રીઝ કે વોટર કૂલર વગેરે વસાવતો હોય છે. આવી સ્થિતિમાં ગરીબ મધ્યમવર્ગ માટે તો ફ્રીઝ કહો કે કૂલર એ માત્રને માત્ર માટીના બનેલ માટલા જ સર્વસ્વ હોય છે એટલું જ નહી આજના આધુનિક ફ્રીઝ-કુલરના યુગમાં હજુ પણ ઘણા બધા લોકો માટલાનું કુદરતી ઠંડું પાણી પીવાનું પસંદ કરતા હોય છે. તેઓ ગમે ત્યાંથી શોધીને પણ ઠંડું પાણી રાખતા માટલા લઈ આવતા હોય છે. માટલાના ધંધાર્થીઓ માટે કમાઈ લેવાની આ એક સિઝન જ હોય છે એટલે તેઓ પણ માટલાના ફુલ સ્ટોક વસાવી બેથી ત્રણ ગણા ભાવ-વધારા સાથે તેનું વેચાણ કરતા હોય છે. જાે કે કુદરતી ઠંડા પાણી માટે બધા પૈસા વસૂલ છે તેનો ખ્યાલ તો તેના શોખીન લોકોને જ હોય છે


