બાંગ્લાદેશમાં હિંસાની હોળી : સ્થિતિ બેકાબુ : પત્રકારની ગોળી મારીને હત્યા
ટોચના અખબારોની ઓફિસોને આગ ચાંપી દેવાઈ : રપ પત્રકારો માંડ માંડ બચ્યા : એક હિન્દુ યુવકની પણ હત્યા
(એજન્સી) ઢાકા, તા.૧૯:
બાંગ્લાદેશમાં આગામી ૧૨ ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલા સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં એક પત્રકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેમજ એક હિન્દુ યુવકની પણ હત્યા કરવામાં આવી છે. ઇન્કિલાબ મંચના પ્રખર વક્તા અને લોકપ્રિય યુવા નેતા શરીફ ઉસ્માન હાદીનું સિંગાપોરમાં સારવાર દરમિયાન અવસાન થતાં સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી છે. ઢાકાની શેરીઓ રણમેદાનમાં ફેરવાઈ ગઈ છે, જ્યાં ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ દેશના પ્રતિષ્ઠિત અખબારો પ્રથમ આલો અને ડેઇલી સ્ટારની ઓફિસો પર હુમલો કરી આગચંપી અને તોડફોડ કરી હતી. હાદી પર થયેલા જીવલેણ હુમલાએ સામાન્ય જનતામાં એવો રોષ ભર્યો છે કે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સૈન્યની મદદ લેવી પડી છે. શરીફ ઉસ્માન હાદી ઇન્કિલાબ મંચ સંગઠનના પ્રવક્તા હતા અને સામાન્ય ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. ગત શુક્રવારે, જ્યારે તેઓ ઢાકામાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી રહ્યા હતા, ત્યારે માસ્ક પહેરેલા હુમલાખોરોએ તેમના માથામાં ગોળી મારી દીધી. તેમને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારી સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા. ૬ દિવસ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રહ્યા બાદ ગત મોડી રાત્રે તેમનું અવસાન થયું.
પ્રદર્શન દરમિયાન, લોકોએ હાદીના નામે સૂત્રોચ્ચાર કર્યા અને હુમલા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી. મોડી રાત સુધી ઘણા વિસ્તારોમાં તણાવ રહ્યો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વધારાની પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, હિંસા અંગે પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
૨૦૨૪ ના વિદ્યાર્થી ચળવળના અગ્રણી નેતા અને ઇન્કિલાબ મંચના પ્રવક્તા શરીફ ઓસ્માન હાદીના સિંગાપોરમાં મૃત્યુના સમાચાર બાદ, ટોળાએ અનેક સ્થળોએ આગ લગાવી. હાદીના મૃત્યુ બાદ, ગુસ્સે ભરાયેલા વિરોધીઓએ દેશના બે અગ્રણી અખબારો, પ્રથમ આલો અને ડેઇલી સ્ટારની ઓફિસો પર હુમલો કર્યો હતો.
અંગ્રેજી અખબાર ધ ડેઇલી સ્ટારની ઓફિસો પર ટોળાએ હુમલો કર્યા બાદ લગભગ ચાર કલાક સુધી અંદર ફસાયેલા ઓછામાં ઓછા ૨૫ પત્રકારોને આખરે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. અહેવાલો અનુસાર, ગત મધ્યરાત્રિ ૧૨ વાગ્યાની આસપાસ ગુસ્સે ભરાયેલા ટોળાએ ધ ડેઇલી સ્ટાર ઓફિસ પર હુમલો કર્યો. અગાઉ, એક ટોળાએ અગ્રણી બંગાળી દૈનિક પ્રથમ આલોના કાર્યાલયને નિશાન બનાવ્યું હતું. સૂત્રોચ્ચાર
કરતા ટોળાએ પહેલા કાર્યાલયમાં તોડફોડ કરી અને પછી તેને આગ ચાંપી દીધી હતી.


