બહીયલમાં નવરાત્રી દરમ્યાન થયેલા તોફાનો બાદ બુલડોઝર એકશન : ૧૮પ ગેરકાયદેસર દબાણો તોડી પડાયા

બહીયલમાં નવરાત્રી દરમ્યાન થયેલા તોફાનો બાદ બુલડોઝર એકશન : ૧૮પ ગેરકાયદેસર દબાણો તોડી પડાયા

ગાંધીનગર તા.૦૯
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મામલે થયેલા હિંસક તોફાનો બાદ વહીવટી અને પોલીસતંત્ર એક્શન મોડમાં આવી ગયાં છે. ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને દુકાનોને આગ ચાંપવાના ગંભીર બનાવ બાદ કાયદાનું કડક પાલન કરાવવા માટે આજે  વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે કાચાં-પાકાં દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તોફાનકાંડ બાદ બરેલી-યુપીની જેમ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર એક્શનની માગણી ઊઠી હતી, જેને પગલે તંત્ર દ્વારા તોફાની તત્ત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત ૧૮૫ જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલો મુજબ ર૦૦૦ પોલીસ જવાનોના કાફલા સાથે બહીયલ ખાતે લોખંડી બંદોબસ્ત વચ્ચે બુલડોઝર એકશનની કાર્યવાહી શાંતિપૂર્વક ચાલી રહી છે.