ભગવાન દ્વારકાધીશજી મંદિરમાં દેવઉઠી એકાદશીના પાવન અવસરે હર્ષોલ્લાસ સાથે લગ્નોત્સવ ઉજવાયો

દ્વારકાધીશ જગતમંદિરમાં ગોપાલલાલજી અને તુલસી માતાના વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવાહ સંપન્ન : ધર્મનગરીમાં વાજતે ગાજતે ગોપાલજીની વિશાળ શોભાયાત્રા, વિવિધ રાજમાર્ગો પર ભ્રમણ, ભાવિકો ઉમટ્યા

ભગવાન દ્વારકાધીશજી મંદિરમાં દેવઉઠી એકાદશીના પાવન અવસરે હર્ષોલ્લાસ સાથે લગ્નોત્સવ ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૩
દ્વારકાના જગતપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં દેવઉઠી એકાદશીના પવિત્ર અવસરે ભગવાન દ્વારકાનાથ અને દેવી તુલસીના લગ્નોત્સવની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. અહી એલ.આર. ગ્રુપના યજમાનપદે યોજાયેલા આ ધામિર્ક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાની લાગણી અનુભવી હતી. હિન્દુ ધર્મની માન્યતા મુજબ દેવઉઠી એકાદશીના દિવસે દેવી તુલસીના ભગવાન દ્વારકાનાથ સાથે વિવાહ સંપન્ન કરાવીને સંસારનાં તમામ શુભ અને મંગલિક કાર્યોનો પુછે પ્રારંભ કરવામાં આવે છે. પાવન અવસરે મંદિરમાં શેરડીના મંડપ તૈયાર કરવામાં આવે છે અને તેમાં દીવાઓ પ્રજ્વલિત કરીને ભગવાન શ્રીજી તથા માતા તુલસીના વિવાહની ધામિર્ક વિધિ કરવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં ભગવાનને વિશેષ તુલસીદળ અર્પણ કરવાનું પણ વિશેષ મહાત્મ્ય છે. તુલસીમાતાને સૌભાગ્યવતીના શણગારથી સજાવી શાલિગ્રામજીની સાત પ્રદક્ષિણા કરાવવાની પરંપરા પણ નિભાવવામાં આવે છે. દ્વારકાધીશ જગતમંદિરમાં આ પ્રસંગે ગોપાલલાલજી અને તુલસીજીના વિવાહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. સવારે ગ્રહશાંતિની ધામિર્ક વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજના સમયે રાણીવાસમાં બિરાજમાન ગોપાલજીને વરરાજા સમાન આકર્ષક શણગાર ધારણ કરાવવામાં આવ્યો હતો. વાજતે-ગાજતે ગોપાલજીનો ભવ્ય વરઘોડો દ્વારકા નગરીના રાજમાર્ગો પર નીકળ્યો હતો, જેમાં ભક્તો અને નગરજનોએ ઉત્સાહભેર જોડાઈ ધામિર્ક પ્રસંગને માણ્યો હતો.રાત્રિના સમયે જગતમંદિરના પટાંગણમાં પરંપરાગત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન ગોપાલલાલજી તુલસીમાતાના વિવાહ સંપન્ન કરાવવામાં આવ્યા હતા. મંદિરના સેવાયતો અને પૂજારી પરિવાર દ્વારા ધામિર્ક પરંપરા મુજબ લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. 
આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિમય તથા વાતાવરણ સર્જાયું હતું. ભગવાન અને તુલસીમાતાના પવિત્ર વિવાહોત્સવનાં દર્શન કરવા દ્વારકાવાસીઓ ઉપરાંત બહારગામથી આવેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ દિવ્ય પ્રસંગના સાક્ષી બની ધન્યતા અનુભવી હતી. જગતમંદિરમાં પરપરાગત તુલશી વિવાહ ઉત્સવપ્રસંગે ભગવાન દ્વારકાધીશજીને છપ્પન ભોગ મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો.જે સાથે ઠાકોરજીને મસ્તક પર સાફો,મોરપીંછ, કમરબંધ વગેરે વિવિધ શણગાર પણ કરવામાં આવ્યા હતા.