ભરણપોષણથી બચવા હવાતિયાં મારતા પતિને જેલની હવા ખાવાનો વારો
"આ મારી પત્ની નથી" કહેનાર પતિને ૨૩ માસની જેલની સજા ! કોર્ટના આદેશનો અનાદર કરનાર પતિની કોર્ટમાંથી જ ધરપકડ કરી જેલહવાલે
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર
પત્નીને ભરણપોષણ ન આપવા માટે અવનવા બહાના બનાવતા અને કોર્ટના હુકમની અવગણના કરતા પતિઓ માટે જૂનાગઢ ફેમિલી કોર્ટે એક લાલબત્તી સમાન અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અગાઉ પત્નીને સ્વીકારવાનો જ ઇનકાર કરી દેનાર પતિએ કોર્ટના આદેશ છતાં ભરણપોષણની રકમ ન ચૂકવતા, નામદાર કોર્ટે આકરો મિજાજ દાખવી પતિને ૨૩ માસની કેદની સજા ફટકારી છે. અરજદાર પરિણીતાના વકીલ યુસુફ એસ કરૂડ પાસેથી મળતી વિગતો મુજબ વંથલીના રહેવાસી અને જુનાગઢમાં વેપાર કરતા સમીરભાઈ અખ્તરભાઈ સોઢા સામે તેની પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો હતો. ઘરેલું હિંસાના મોટાભાગના કેસોમાં જેમ બને છે તેમ, આ કેસમાં પણ પત્નીને પહેરેલા કપડામાં જ સાસરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી, જેના કારણે તેણી પાસે લગ્ન નોંધણી પ્રમાણપત્ર કે અન્ય મજબૂત દસ્તાવેજી પુરાવાઓ ઉપલબ્ધ ન હતા. આ કેસમાં બચવા માટે પતિએ "આ અરજદાર મારી પત્ની જ નથી" તેવો બચાવ લીધો હતો. જોકે, અરજદારના વકીલની ધારદાર દલીલો અને ઉલટતપાસ બાદ, કોર્ટે પતિના જુઠ્ઠાણાને પકડી પાડી તા.૧૮-૯-૨૦૨૫ના રોજ પત્નીની તરફેણમાં ભરણપોષણ મંજૂર કરતો હુકમ કર્યો હતો. વસૂલાત અને સજાનો હુકમ: કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં પતિ સમીરભાઈએ પત્નીને ભરણપોષણની રકમ ચૂકવી ન હતી. જેથી કંટાળીને પીડિત પત્નીએ પોતાના વકીલ મારફતે ચડત ભરણપોષણની રકમ વસૂલવા માટે ફો.પ.અ.નં.૧૪/૨૦૨૬થી કોર્ટમાં ‘રિકવરી અરજી‘ દાખલ કરી હતી. આમછતાં પતિએ ભરણપોષણની નીકળતી રકમ ભરપાઈ કરી ન હતી. આ તકે અરજદાર પત્નીના વકીલ દ્વારા નામદાર કોર્ટમાં સખત વાંધો લઈ દલીલ કરેલ હતી. જે દલીલો ગ્રાહ્ય રાખી, જુનાગઢ ફેમિલી કોર્ટે પતિની બેદરકારીને ગંભીરતાથી લીધી હતી. નામદાર કોર્ટે તારીખ ૨૯-૧-૨૦૨૬ના રોજ ઐતિહાસિક હુકમ કરતા પતિ સમીરભાઈ સોઢાને ભરણપોષણની રકમ ન ચૂકવવા બદલ ૨૩ માસ (લગભગ ૨ વર્ષ)ની કેદની સજા ફટકારી હતી. આ હુકમ થતાં જ કોર્ટમાં હાજર પતિને તાત્કાલિક પોલીસે કસ્ટડીમાં લઈ તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. આ મહત્વના કેસમાં ભરણપોષણથી વંચિત પત્નીને ન્યાય અપાવવા માટે વકીલ યુસુફ એસ. કરૂડ, ઝેડ.એમ. સાખલા, ભાવેશ બી. રાખોલિયા, અલ્ફૈઝ વાય. કરૂડ અને ઈરફાન એ. કરૂડ રોકાયેલ હતા.


