ભારે વરસાદને કારણે રાવલ ડેમના દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા : રાવલ નદી તોફાની બની
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.6
ઉના અને ગીર ગઢડા તાલુકાના ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરૂ પાડતા અને દિવને પાણી પુરૂ પાડતા રાવલ ડેમ પર ઉપર વાસ જંગલમાં હજુ જોરદાર વરસાદ ચાલુ છે પાણીની આવક વધતા 79.67 ટકા ડેમ ભરાઈ ગયો છે. રૂરલ લેવલ જાળવવા માટે ગઈકાલે સાંજે સાત વાગ્યે ડેમના તમામ છ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા છે અને ડેમમાં હાલ 34512ક્યુસેક આવક છે અને જાવક 3412 ક્યુસેક પાણી રાવલ નદીમાં આવતા ચીખલ કુબા, જસાધાર, ધોકડવા, મોહબતપરા, કાંધી, મોટા સમઢિયાળા, પડાપાદર, પાતાપુર, ઉમેજ, સામતેર, કાણકબરડા, રામેશ્વર, ગરાળ, મોઠા, સંજવાપુર, માણેકપુર, સનખડા, ખત્રીવાડા ગામોની નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને ડેમમાં પાણી સાથે મોટી સંખ્યામાં સાપ કિનારે પહોંચી ગયા છે. તો લોકોએ કિનારે અવર જવર કરવી નહીં તેવી સૂચના આપવામાં આવી છે.


