ગુજરાતમાં ભાજપનો અજેય ૧૫ મહાનગરપાલીકા અને ૩૪ જીલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો
રાજયની ૧પ મહાનગરપાલીકા, ૩૪ જીલ્લા પંચાયત, ર૬૦ તાલુકા પંચાયત અને ૮૪ નગરપાલીકાની કુલ ૯૯૯ર બેઠક પૈકી ૨૫૪૨ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજેતા, કોંગ્રેસને ૩૯૨, આમ આદમી પાર્ટીને ૨૧ અને અન્યને ૧૬૬ બેઠકો મળી
(બ્યુરો) ગાંધીનગર તા.ર૮
રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આજે બપોરે 1 કલાકે પ્રાપ્ત અહેવાલ મુજબ રાજયની તમામ મહાનગરપાલીકાઓ અને તમામ જીલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે ફરી એકવાર સાબિત કર્યું છે કે, ગુજરાતમાં ભાજપ અજેય છે. છેલ્લા 30 કરતા વધુ વર્ષોથી ગુજરાતમાં ભાજપનો ગઢ યથાવત રહ્યો છે. જાેકે, ભાજપની પ્રચંડ જીત સામે વિવિધ મહાનગરપાલીકા અને જીલ્લા પંચાયતોમાં કયાંક કયાંક અપસેટ પણ સર્જાયો છે. પરંતુ એકંદરે ભાજપે સ્થાનિક સ્વરાજયની તમામ સંસ્થાઓ કબ્જે કરી છે. રાજયની 6 જુની મહાનગરપાલીકાઓ જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં ભાજપનું શાસન યથાવત રહ્યું છે. જયારે નવરચિત મહાનગર પાલીકાઓમાં પણ ભાજપનો જય જયકાર થયો છે. નવરચિત મહાનગરપાલીકાઓમાં મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, નડિયાદ, મોરબી, પોરબંદર મહાનગરપાલીકામાં પણ ભાજપનો પ્રચંડ વિજય થયો છે. જયારે રાજયની તમામ 34 જીલ્લા પંચાયતોમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. આમ તમામ જીલ્લા પંચાયતોમાં ભાજપનું શાસન યથાવત રહ્યું છે. જાેકે, આ વખતે આમ આદમી પાર્ટી પણ આશ્ચર્યજનક રીતે ભાજપના ગઢમાં ગાબડુ પાડી રહી છે. રાજયની 15 મહાનગરપાલીકા, 34 જીલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો અને 84 નગરપાલીકાની કુલ 9992 બેઠકો પૈકી આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ 3121 બેઠકોના પરિણામો જાહેર થયા છે. જેમાંથી ભાજપને 2542 બેઠકો મળી છે, 392 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા છે, 21 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા છે અને 166 બેઠકો અન્યના ફાળે ગઈ છે. આમ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં અત્ર, તત્ર, સર્વત્ર ભાજપ જ ભાજપ છે. 2027ની વિધાનસભાની ચૂંટણીની પહેલા સેમીફાઈનલ ગણાતી આ ચૂંટણીમાં ભાજપે અપેક્ષા મુજબ પ્રચંડ સફળતા પ્રાપ્ત કરી છે.


