માત્ર બે કલાકમાં ચીખલી-કડીમાં 8 અને વલસાડમાં 6 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર
આજે રાજયના પાંચ જીલ્લામાં રેડ અને 7 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
નવસારી/કડી તા.3
નવસારી જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. આજે સવારે 8થી 10 વાગ્યા સુધીના માત્ર 2 કલાકના ગાળામાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ચીખલીમાં 8 ઈંચ અને ગણદેવીમાં ૫ ઈંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જયારે વલસાડમાં બે કલાકમાં જ સુપડાધારે 6 ઈંચથી વધુ પાણી વરસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અતિભારે વરસાદને પગલે આખુ શહેર જળબંબાકાર બન્યુ હતું. નીચાણવાળા ભાગોમાં મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. ટ્રાફીક ઠપ્પ થયો હતો. જનજીવન ખોરવાયુ હતું. શાળા-કોલેજો-શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
જયારે ઉત્તર ગુજરાતના કડી શહેરમાં ગત રાત્રે 2 વાગ્યાના સુમારે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે માત્ર બે જ કલાકના આશરે 8 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. 25થી વધુ સોસાયટીઓના ઘરોમાં ઘૂંટણસમાથી લઈને કમર સુધીના પૂરના પાણી ઘૂસી ગયા હતા, જેના લીધે અડધી રાત્રે સ્થાનિકો સામાન બચાવવામાં લાગ્યા હતાં.
આજે પણ 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ જિલ્લામાં રેડ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય પર એક સાથે પાંચ પાંચ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસુ આગળ વધશે. રાજયમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.


