મૌર્ય વંશનાં સમયમાં ભવનાથ તળેટીમાં બંધાયેલઐતિહાસિક ‘સુદર્શન તળાવ’ની દયનીય હાલત !

ભવનાથ અને ગિરનારની યાત્રાએ આવતા લાખો શ્રધ્ધાળુઓને તળેટીમાં જ સુંદર તળાવ મળે તે માટે સરકાર આયોજન કરે - વનવિભાગ, પ્રવાસન યાત્રાધામ બોર્ડ અને સરકારનાં સંયુકત ઉપક્રમે ‘સુદર્શન તળાવ’નાં નવનિર્માણ માટે માસ્ટર પ્લાન બનાવવા લાગણી

મૌર્ય વંશનાં સમયમાં ભવનાથ તળેટીમાં બંધાયેલઐતિહાસિક ‘સુદર્શન તળાવ’ની દયનીય હાલત !

(જગડુશા ડી. નાગ્રેચા દ્વારા)
જૂનાગઢ તા. ૧૨
ગિરનાર ક્ષેત્રમાં ભવનાથ તળેટીમાં આવેલ ઐતિહાસિક ‘સુદર્શન તળાવ’ની આજે ખુબજ ખરાબ અને બિસ્માર હાલત છે. સુદર્શન તળાવને જાે નવનિર્મીત  કરવામાં આવે તો ગિરનાર અને ભવનાથની યાત્રાએ  આવતા  લાખો શ્રધ્ધાળુઓને એક સુંદર મજાનું નયનરમ્ય તળાવ મળી શકે તેમ છે. સુદર્શન તળાવ વનવિભાગની હદમાં આવેલું છે જેથી સરકાર, પ્રવાસન યાત્રાધામ બોર્ડ વનવિભાગ દ્વારા સંયુકત રીતે સુદર્શન તળાવના બ્યુટીફીકેશનની કામગીરી  માટે માસ્ટર પ્લાન ર્ઘડી કાઢે તેવી લાગણી પ્રવર્તી રહી છે. ભવનાથ તળેટીમાં જ ઉંચી ટેકરી ઉપર સુદર્શન તળાવ આવેલું છે. આ તળાવનો ઈતિહાસ રહેલો છે. સુદર્શન તળાવનુું નિર્માણ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનાં સમયમાં થયું હતું. આ તળાવનું નામ સુદર્શન તળાવ રાખવામાં આવ્યુંહતું. જેનો અર્થ થાય છે ‘સુંદર દ્રશ્ય’ ચંદ્રગુપ્ત મૌર્યનાં સમયમાં તેનું નિર્માણ થયું હતું. મગધના રાજા ચંદ્રગુપ્તના રાજયપાલ પુષ્પ ગુપ્તે કરાવ્યું હતંુ. મૌર્ય સામ્રાજયમાં સુદર્શન તળાવનું નિર્માણ થયું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્ર સમ્રાટ અશોકે ગિરનાર પર્વત ઉપર શિલાલેખ બનાવ્યો હતો. આ શિલાલેખમાં સુંદર્શન તળાવનાં નિર્માણની વાત કરવામાં આવી છે. સુદર્શન તળાવ બે વાર તુટયું હતું. પહેલીવાર ઈ.સ. ૧પ૦ અને બીજીવાર ઈ.સ.૪પ૦માં તુટયું હતું. તેનું પુન:નિર્માણ રૂદ્રદામન અને સ્કંદ ગુપ્તનાં સમયમાં થયું હતું. સુદર્શન તળાવનું મહત્વ એ છે કે, આ તળાવને નવસાધ્ય કરવામાં આવે તો યાત્રીકો, સંતો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત થશે. આ તળાવનું પાણી ખુબજ શુધ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. પવિત્ર સુદર્શ તળાવની હાલત આજે ખુબજ ખરાબ છે. તેનો પાળો તુટી ગયો છે, કિનારા તુટી ગયા છે અને જીર્ણ શીર્ણ અવસ્થામાં આજે રહેલું છે. ભવનાથ તળેટી ખાતે આવેલા સુદર્શન તળાવને નવસાધ્ય કરવામાં આવે તેવી લાગણી વર્ષો થયા રહેલી છે. પરંતુ અસરકારક  રજુઆતના અભાવે તેમજ સુદર્શન તળાવ જે જગ્યાએ છે તે જગ્યા વનવિભાગ હસ્તક છે. આમ વિવિધ કારણોસર સુદર્શન તળાવ વિકાસથી વંચીત છે. ગુજરાત સરકાર, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ધાર્મિક સ્થળો ઐતિહાસિક મહત્વ ધરાવતી વિરાસતોનાં પુન:નિર્માણની આવકારદાયક અને પ્રશંસનીય કામગીરી કરી રહેલ છે. ભવનાથ ક્ષેત્ર, ગિરનાર રોપવે, ઐતિહાસિક ઉપરકોટ, મહાબત મકબરા, દ્વારકા, બેટદ્વારકા,  સોમનાથ, માધવપુર સહીતનાં સ્થળોના પુન:નિર્માણ કાર્ય હાથ ધરી અને લોકો માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનું પણ તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દરમ્યાન તાજેતરમાં જ તા.૧૧થી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન શિવરાત્રીનો મેળો ભવ્ય અને દિવ્ય રીતે બનાવી અને સફળતા પુર્વક ગુજરાત સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. દેશભરનાં ભાવિકો શિવરાત્રી મેળામાં સહભાગી થયા હતા. ભવનાથ તિર્થક્ષેત્રનું નામ દેશભરમાં ગુંજી ઉઠયું છે. આજ સમય હવે ભવનાથ તળેટી ખાતે આવેલા ઐતિહાસિક સુદર્શન તળાવને નવનિર્માણ કરી અને લોકાર્પણ કરવાની જરૂર છે.  ભવનાથ તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિરનાં પાછળના ભાગે જયાં મેળાનું મેદાન આવેલ છે તેની સાઈડમાં જ સુદર્શન તળાવ જવાની સીડી આવેલ છે. તુટેલી ફુટેલી હાલતમાં આજે જાેવા મળતા સુદર્શન તળાવનો નજારો ડ્રોન કેમેરાની મદદથી જાેવામાં આવે તો અદ્ભુત નજારો જાેવા મળે તેમ છે. સુદર્શન તળાવ નવસાધ્ય કરી તળાવ ફરતે સરસ પાળો અને રેલીંગ કરી તેમજ અહીં આવતા લોકો માટે બેસવા માટેની બેઠકો, બાકડા મુકવામાં આવે તો  પ્રવાસીઓ ઉપરાંત ભવનાથ ખાતે ફરવા આવતા શહેરીજનો પણ સુદર્શન તળાવની મુલાકાત લીયે તેવી નયનરમ્ય જગ્યા છે. ગિરનારની  ગીરીકંદરા, પ્રકૃતિનો જયાં અખુટ ખજાનો રહયો છે તેવા ગિરનારની ગોદમાં સુદર્શન તળાવના બ્યુટીફીકેશનની કામગીરી જાે હાથ ધરવામાં આવે તો એક સુંદર તળાવની ભેટ મળશે. આજે સુદર્શન તળાવની વર્તમાન હાલત, તેનો ભવ્ય ઈતિહાસ અને જાે બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવે તો સુદર્શન તળાવનું આખું દ્રશ્ય જ અનોખં અદ્વિતીય અને અદ્ભુત બનશે તે ચોકકસ છે. સુદર્શન તળાવના નવનિર્માણની હાલ ખાસ જરૂર છે અને જેને જે રીતે વાત ગળે ઉતરે તે રીતે સરકારમાં, વનવિભાગમાં અથવા તો  સંબંધીત તંત્ર સાથે વાતચીત, બેઠક, પ્લાન ઘડી કાઢવામાં આવે તેજ લખનારનો મુખ્ય હેતુ છે.