મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ૧૦ના મોત  મુંબઈમાં સીઝનનો ૧ર૩ ઈંચ વરસાદ નોંધાયો

મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ૧૦ના મોત  મુંબઈમાં સીઝનનો ૧ર૩ ઈંચ વરસાદ નોંધાયો
TIMES NOW

(એજન્સી)     મુંબઈ તા.ર૯
છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૧,૮૦૦ થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. દરમિયાન, મરાઠવાડામાં ઘણી નદીઓ પૂરમાં છે, જેના કારણે પાકનો નાશ થયો છે. કોંકણ, ગોવા, બિહાર અને ઉત્તરપૂર્વીય રાજ્ય મેઘાલયમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે થી ત્રણ દિવસ માટે આ વિસ્તારોમાં તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં વાવાઝોડાની આગાહી કરી છે.
એક તરફ દેશમાંથી ચોમાસું સત્તાવાર રીતે વિદાય લઈ રહ્યું છે ત્યારે મુંબઈ સહિત રાજ્યમાં વરસાદ રોકાવાનું નામ લેતો નથી. રવિવારના મુંબઈમાં રેડ અલર્ટની ચેતવણી હોઈ આખો દિવસ ભારે વરસાદ પડયો હતો, જોકે રવિવારની રજા હોવાથી મોટાભાગના મુંબઈગરએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.
આ દરમ્યાન શનિવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે મુંબઈમાં મોસમનો સરેરાશ વરસાદ ૩,૦૦૦ મિ.મી.ને પાર કરી ગયો છે. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમાં મુંબઈમાં સાંતાક્રુઝમાં ૩,૦૭૭ મિ.મી. વરસાદ નોંધાઈ ચૂકયો છે. તો કોલાબામાં નોંધાયેલો ૧૨૦.૮ મિ.મી.નો વરસાદ સપ્ટેમ્બરનો છેલ્લા પાંચ વર્ષનો બીજા નંબરનો હાઈએસ્ટ વરસાદ રહ્યો હતો.