ઉત્તરાખંડનાં સહસ્ત્રધારામાં અને હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટયું : ભારે વિનાશ
સહસ્ત્રધારામાં પાણીના તિવ્ર પ્રવાહમાં મકાનો-દુકાનો તણાઈ ગઈ : ૧૦૦ લોકોનું રેસ્કયુ : મંડીનું બસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું : વાહનો તણાયા
(એજન્સી) દહેરાદૂન તા.૧૬:
ઉત્તરાખંડમાં હવામાનનો કહેર ચાલુ છે. ગત રાત્રે દહેરાદૂનના સહસ્ત્રધારા કાર્લીગઢ વિસ્તારમાં વાદળ ફાટવાથી ઘણું નુકસાન થયું છે. પાણીની તીવ્ર ધારામાં ઘણી દુકાનો તણાઈ ગઈ છે. લગભગ ૧૦૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બે ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. વાદળ ફાટ્યા બાદ, મંગળવાર માટે દહેરાદૂનમાં તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે.
સહસ્ત્રધારાના મુખ્ય બજારમાં કાટમાળ પડવાથી ત્રણ મોટી હોટલ અને ઘણી દુકાનોને નુકસાન થયું છે. કારદીગઢમાં વાદળ ફાટ્યા બાદ મુખ્ય બજારમાં મોટી માત્રામાં કાટમાળ આવ્યો હતો. બજારમાં લગભગ ૧૦૦ લોકો ફસાયા હતા, જેમને ગ્રામજનોએ સુરક્ષિત રીતે બચાવ્યા હતા.
બીજી તરફ મંડીના ધરમપુરમાં વાદળ ફાટવાથી બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું. ગતરાત્રે ધરમપુરમાં વરસાદે એટલી તબાહી મચાવી હતી કે આખું બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું અને બસો સહિત અનેક વાહનો તણાઈ ગયા. આ ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિ ગુમ થયાના અહેવાલ છે. ભારે વરસાદને કારણે અહીં વહેતી સોન ખાડ નદીનું પાણીનું સ્તર પણ ઘણું વધી ગયું છે.
પાણીનું સ્તર વધવાને કારણે બસ સ્ટેન્ડ સહિત લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે રાત્રે ભારે નાસભાગ મચી ગઈ હતી. લોકોએ ઘરોની છત પર
ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો. પોલીસે રાત્રે જ બચાવ કામગીરી હાથ ધરી હતી.


