યુધ્ધ વિરામને પગલે શેરબજારમાં તેજીનું વાવાઝોડું સેન્સેકસમાં ર૭૦૦ પોઈન્ટનો જાેરદાર ઉછાળો
મુંબઈ તા. ૮ :
અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત પછી આજે શેરબજારમાં લાલચોળ તેજી જાેવા મળી રહી છે. સેન્સેક્સ ૨૭૦૦ પોઈન્ટ (૩.૫૦%) વધીને ૭૭,૨૦૦ પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ ૮૦૦ પોઈન્ટ (૩.૨૪%) ઉપર છે, તે ૨૩,૯૦૦ પર પહોંચી ગયો છે. આજે ઓટો, રિયલ્ટી અને બેન્કીંગ શેરોમાં વધુ ખરીદી જાેવા મળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ૪૦ દિવસથી ચાલી રહેલા યુદ્ધ પર હાલ પૂરતો બે અઠવાડિયા માટે વિરામ લાગી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન અને ચીનની મધ્યસ્થી પછી આ યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે જેની વિશ્વનાં શેરબજારો પર ખૂબજ પોઝીટીવ અસર થઈ હતી અને તમામ શેરબજારોમાં તેજી આવી છે. સાઉથ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ૬.૩૫% વધીને ૫,૮૪૩ પર પહોંચી ગયો છે. જાપાનનો નિકેઈ ૫.૧૨% વધીને ૫૬,૧૬૬ પર ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ૨.૮૫% વધીને ૨૫,૮૩૨ પર છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ૧.૯૨% વધીને ૩,૯૬૪ પર પહોંચી ગયો છે.


