દેશભરમાં “નારીશક્તિ વંદન અધિનિયમ” કાયદાની અમલવારી

કેન્દ્ર સરકારે મધ્યરાત્રી પછી જાહેરનામું બહાર પાડયું : લોકસભા અને રાજયોની વિધાનસભાની બેઠકોમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જાેગવાઈ

દેશભરમાં “નારીશક્તિ વંદન અધિનિયમ” કાયદાની અમલવારી

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૭:
ભારતીય લોકશાહીમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલો 'નારી શક્તિ વંદન અધિનિયમ 2023' હવે દેશભરમાં સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે. કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ઐતિહાસિક કાયદા હેઠળ લોકસભા અને રાજ્યોની વિધાનસભાની બેઠકોમાં મહિલાઓ માટે 33 ટકા અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયે જાહેર કરેલી સૂચના મુજબ, બંધારણ (106મો સુધારો) અધિનિયમ 2023ની કલમ-1ની પેટા-કલમ (2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે 16 એપ્રિલ 2026ની તારીખ નક્કી કરી છે, જે દિવસથી આ અધિનિયમની તમામ જોગવાઈઓ અમલમાં આવશે. સપ્ટેમ્બર 2023માં સંસદના બંને ગૃહો દ્વારા આ બિલ પસાર કરવામાં આવ્યું હતું, જે હવે કાયદાકીય સ્વરૂપે દેશમાં સ્વીકૃત બન્યું છે. અત્યાર સુધીની સ્થિતિ મુજબ, 2023ના મૂળ કાયદામાં એવી શરત હતી કે મહિલા અનામત 2027ની વસ્તી ગણતરી અને ત્યારબાદ થનારી સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અમલમાં આવશે. આ પ્રક્રિયા મુજબ વાસ્તવિક અનામત 2034 પહેલા મળવી મુશ્કેલ જણાતી હતી.