રાજકોટ હવે ક્રાઈમ કેપીટલ બની ગયું : લૂંટ વીથ મર્ડરની ઘટનાથી વેપારીઓ ભયભીત

રાજકોટ હવે ક્રાઈમ કેપીટલ બની ગયું : લૂંટ વીથ મર્ડરની ઘટનાથી વેપારીઓ ભયભીત
AI Image

(બ્યુરો)              રાજકોટ તા.૧૫
રાજયમાં વિકાસથી માંડીને કાયદો-વ્યવસ્થાના મસમોટા દાવા કરતી સરકાર અને સરકારીતંત્રની એક પછી એક પોલ ખુલી રહી છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કાયદો-વ્યવસ્થા ચિથરેહાલ બની હોય અને યુપી-બિહાર સ્ટાઈલથી લુંટ-હત્યા સામાન્ય થઈ ગઈ હોય તેમ ગઈકાલે સાંજના ઝવેરાત વર્કશોપના મેનેજરને લુંટીને ગોળી ધરબી દેવાની ઘટના પરથી સાબીત થઈ ગયુ છે. ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી અને ગૃહવિભાગનો હવાલો સંભાળતા હર્ષ સંઘવીના આગમન પુર્વે જ સર્જાયેલા ઘટનાક્રમે અનેકવિધ સવાલ સર્જયા છે. રાજકોટમાં આજી જીઆઈડીસીમાં સોનાના દાગીના વર્કશોપ નજીક ચાર કિલો સોનાના દાગીના ભરેલો થેલો લઈને મેનેજર ઉભા હતા ત્યારે ફિલ્મી સ્ટાઈલમાં કારમાં આવેલા ચાર શખ્સોએ રૂા.૧.૫૩ કરોડની કિંમતના આ સોના-ચાંદીની લુંટ ચલાવી હતી અને ગોળીબાર કરીને મેનેજરની હત્યા નિપજાવી હતી. આ ઘટનાએ માત્ર સોનીબજાર જ નહી પરંતુ સમગ્ર વેપાર ઉદ્યોગ ધ્રુજી ઉઠયા હતા. રાજકોટની ઓળખ શાંત અને રંગીલા શહેર તરીકે થાય છે પરંતુ છેલ્લા કેટલાંક વખતથી રાજકોટ ક્રાઈમ કેપીટલ બની ગયુ છે.