રાત્રે ઊંઘ નથી આવતી, અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવી પોતાની પરેશાની
વહેલી સવારે જાગી જવાની અને ઊંઘ પૂરી ન થવાની સમસ્યા વચ્ચે બિગ બી ફરીથી જિમ રૂટિન શરૂ કરવાની તૈયારીમાં
મુંબઈ, તા. ૪
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાના ચાહકો સાથે જીવનની અનેક વાતો બ્લોગના માધ્યમથી શેર કરતા રહે છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાની સાથે તેઓ પોતાના બ્લોગ દ્વારા પણ ચાહકો સાથે જોડાયેલા રહે છે. તાજેતરમાં તેમણે પોતાના સ્વાસ્થ્ય, ઊંઘની સમસ્યા અને રોજિંદા જીવન સાથે જોડાયેલી કેટલીક મુશ્કેલીઓ અંગે ખુલાસો કર્યો છે. અમિતાભે જણાવ્યું કે ક્યારેક તેમને રાત્રે ઊંઘવામાં મુશ્કેલી પડે છે. આ સાથે તેઓ ફરીથી નિયમિત રીતે જિમ જવાનું શરૂ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં વહેલી સવારે જાગી જવા અને ઊંઘ પૂરી ન થવાની વાત કરી હતી. તેમણે બ્લોગ લખતી વખતે ફોન્ટની સાઇઝ બદલવામાં પડતી મુશ્કેલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે તેમણે ગૂગલ પર પણ મદદ શોધી હતી, પરંતુ ત્યાં આપવામાં આવેલી સૂચનાઓ તેમને સમજાઈ નહોતી.
અભિનેતાએ જણાવ્યું કે એક દિવસ તેઓ વહેલી સવારે જાગી ગયા હતા. તેમના મનમાં વારંવાર વિચાર આવતો હતો કે તેમણે અગાઉની રાત્રે જ બ્લોગ લખી લેવો જોઈતો હતો. ત્યારબાદ તેમણે ફરીથી સૂવાનો પ્રયાસ કર્યો હતો અને આશા રાખી હતી કે કદાચ તેમને ફરી ઊંઘ આવી જાય.
ઊંઘ લાવવા માટે ઇન્ટરનેટ પર અનેક પ્રકારની કસરતો અને ઉપાયો સૂચવવામાં આવે છે. અમિતાભે પણ તેમાંથી કેટલાક ઉપાયો અજમાવ્યા હતા, પરંતુ ખાસ ફાયદો થયો નહોતો. ત્યારબાદ તેમણે આરામથી ધાબળામાં લપેટાઈને સૂવાનો વિચાર કર્યો હતો. તેમણે આ સ્થિતિની સરખામણી બાળકના માતાના ગર્ભમાં રહેવા સાથે કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ રીતે આરામથી સૂઈ ગયા બાદ તેમને સારી ઊંઘ આવી હતી.
આ ઉપરાંત અમિતાભ બચ્ચને પોતાના જિમ રૂટિન અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેમની કસરતની દિનચર્યા થોડી ખોરવાઈ ગઈ છે, જેને ફરીથી નિયમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 'ડોન્ટ લેટ ધ ઓલ્ડ મેન ઇન' એટલે કે પોતાની અંદરના વૃદ્ધત્વને હાવી થવા ન દેવાની વાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ફિટ રહેવું સાંભળવામાં જેટલું સરળ લાગે છે, વાસ્તવમાં એટલું સરળ નથી.
અમિતાભના જણાવ્યા અનુસાર, સતત કામ કરવાથી શરીર અને મન બંને પર અસર પડે છે. આવી સ્થિતિમાં પોતાના સ્વાસ્થ્ય અને શરીર પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. તેમનું મન કસરત કરવા માટે તૈયાર હોય છે, પરંતુ ઘણીવાર શરીર થોડો આરામ કરવાની સલાહ આપે છે. તેમ છતાં મુશ્કેલીઓ વચ્ચે પણ પ્રયાસ ચાલુ રાખવો જરૂરી હોવાનું માનીને તેઓ ફરી એકવાર પોતાના જિમ રૂટિનને પાટા પર લાવવાની તૈયારી કરી રહ્યા છે.


