લખનઉમાં કોચિંગ સેન્ટરમાં આગનો કહેર, 15 વિદ્યાર્થીઓના મોત

લખનઉમાં કોચિંગ સેન્ટરમાં આગનો કહેર, 15 વિદ્યાર્થીઓના મોત

લખનઉ તા.22
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સોમવારે બપોરે બનેલી એક દુઃખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. અલીગંજ વિસ્તારમાં આવેલી એક વ્યાવસાયિક ઇમારતમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતા 15 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, ઇમારતના બીજા માળે લાઇબ્રેરી અને એનિમેશન-ગેમિંગ સંબંધિત તાલીમ કેન્દ્ર કાર્યરત હતું. આગ ઝડપથી ફેલાતા અંદર હાજર વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ધુમાડા અને જ્વાળાઓથી બચવા માટે કેટલાક વિદ્યાર્થીઓએ બાથરૂમમાં આશરો લીધો હતો, પરંતુ તેઓ બહાર નીકળી શક્યા નહોતા.
ઘટના દરમિયાન એક વિદ્યાર્થીએ જીવ બચાવવા માટે ઉપરના માળેથી છલાંગ લગાવી હતી, પરંતુ નીચે આવેલી લોખંડની ગ્રીલ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ, ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં બેઝમેન્ટ વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર કારણ હજુ જાહેર થયું નથી. ઘટનાની ગંભીરતા જોતા SDRF અને NDRFની ટીમોને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી.
બચાવ કામગીરી દરમિયાન ફાયર કર્મચારીઓએ ઇમારતની પાછળની દીવાલ તોડીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે ઘાયલોને હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સની પણ અછત સર્જાઈ હતી.
આ દુર્ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હાલમાં પ્રશાસન દ્વારા ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતકોના પરિવારજનોને તમામ શક્ય મદદ આપવાની ખાતરી આપવામાં આવી છે.