વિકાસનાં કામોમાં નિયમોનું ઉલ્લંઘન ચલાવી લેવાશે નહી : કમિશ્નર પ્રભવ જાેષી

વિકાસનાં કામોમાં નિયમોનું ઉલ્લંઘન ચલાવી લેવાશે નહી : કમિશ્નર પ્રભવ જાેષી

જૂનાગઢ તા.12
જૂનાગઢ શહેરમાં ચાલી રહેલા રોડ-રસ્તાના વિકાસ કામોને વેગ આપવા અને તેને સમયમર્યાદામાં પૂર્ણ કરવાના આશયથી મ્યુનિસિપલ કમિશ્નર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને એક મહત્વની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં શહેરમાં જુદી-જુદી એજન્સીઓ દ્વારા રાખવામાં આવેલા રોડના કામોની પ્રગતિની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.કમિશ્નરે સ્પષ્ટ કહ્યું હતું કે, જનતાની સુવિધા માટે ચાલી રહેલા આ કાર્યોમાં કોઈપણ પ્રકારના વિલંબ કે નિયમોનું ઉલ્લંઘન ચલાવી લેવામાં આવશે નહીં,અને તમામ કામો ગુણવત્તા સાથે ટેન્ડર ક્લોઝ મુજબ સમયસર પૂરા કરવા કડક સુચના આપી હતી. વિવિધ કોન્ટ્રાક્ટર્સની કામગીરીની સમીક્ષા કરતા જણાયું હતું કે, કોન્ટ્રાક્ટર એલ.જી.ચૌધરી દ્વારા શહેરમાં કુલ 42 કામો હાથ ધરવાના થાય છે, જેમાંથી હાલ 36 કામો પ્રગતિ હેઠળ છે. જ્યારે બાકી રહેતા 6 કામો કોઈ પણ વિલંબ વગર તાત્કાલિક અસરથી શરૂ કરવા માટે માન. કમિશનરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ જ રીતે, મધુરમ કન્સ્ટ્રક્શન (ઈન્ડિયા) પ્રા.લિ. દ્વારા હાથ ધરવાના થતા કુલ 11 કામોમાંથી 10 કામો હાલ પ્રગતિ હેઠળ છે, જ્યારે બાકી રહેલ 1 કામ પણ તાત્કાલિક શરૂ કરવા માટે એજન્સીને સુચના આપી હતી. તેમજ કમિશ્નર દ્વારા કોન્ટ્રાકટરોને શ્રેષ્ઠ કામગીરી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં કામગીરી દરમ્યાન બેદરકારી દાખવનાર એજન્સી સામે કમિશ્નરે લાલ આંખ કરી હતી. રોડના કામ માટે પી.ક્યુ.સી. (PQC) મશીન દ્વારા ક્યારથી કામગીરી શરૂ કરવામાં આવશે તે બાબતે એજન્સી પાસેથી બાહેંધરી મેળવવામાં આવી હતી.