વંથલી ખાતે પ્રેમ સંબંધનાં મનદુ:ખે યુવકની નિર્મમ હત્યા

વંથલી ખાતે પ્રેમ સંબંધનાં મનદુ:ખે યુવકની નિર્મમ હત્યા

જૂનાગઢ તા. ૩
જૂનાગઢ જીલ્લાનાં વંથલી ખાતે પ્રેમસંબંધનાં મનદુ:ખે હુમલો કરી એક યુવાનની નિર્મમ હત્યાનો બનાવ બન્યો છે. આ બનાવ અંગે મૃતકનાં પિતાની ફરીયાદનાં આધારે પોલીસે ચાર આરોપીઓ વિરૂધ્ધ ખુનનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતીમાન કરેલ છે. વંથલી શહેરમાં હત્યાનાં  બનાવને લઈને ભારે સનસનાટી મચી જવા પામેલ છે.
આ બનાવ અંગે વંથલી પોલીસે આપેલી વિગત અનુસાર વંથલીનાં વાલીઝાપા બહાર મંદિર પાસે રહેતા ફરીયાદી મુસાભાઈ અબ્દુલભાઈ સોઢા ઘાંચી મુસ્લીમ (ઉ.વ. ૬૬)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી રફીકશા કાસમશા સર્વદી, અકરમશા હમીદશા સર્વદી, અરબાઝશા રફીકશા સર્વદી,  ઈરફાનશા અમીનશા બાનવા રહે. તમામ વંથલીવાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ફરીયાદીનાં દિકરા તાજીમને આરોપી રફીકશાની દિકરી સાથે પ્રેમસંબંધ હોય અને જે બાબતનો ખાર રાખી અને આ કામનાં આરોપી રફીકે તાજીમને લાકડાનાં ધોકા વડે માથાનાં ભાગે જીવલેણ ઈજા કરી મોત નિપજાવેલ છે. જયારે સાહેદ શકીલને પણ ઈજાઓ કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવી છે. આ બનાવ ભલાઈશા દરગાહ સંકુલમાં બન્યો હતો. દરમ્યાન મૃતક યુવાનનાં પિતા મુસાભાઈએ જણાવ્યું હતું કે ગઈકાલે તેઓને ફોન આવેલ કે તમારા દિકરાને માથાકુટ થઈ છે. આ ફોન આવતા જ તેઓ તાત્કાલીક  ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જયાં તેઓનો પુત્ર જમીન પર પડેલ હોય અને તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને જેન કારણે તેનું મૃત્યુ થયેલ હતું. મૃતકનાં પિતાએ વધુમાં જણાવેલ કે બનાવનાં સ્થળે ચાર શખ્સો જાેવા મળ્યા હતાં. અને અન્ય ત્રણ શખ્સો નાશી ગયા હતાં. દરમ્યાન મુસાભાઈની ફરીયાદનાં આધારે વંથલી પોલીસે યુવાનની હત્યાનાં ગુનામાં ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ  બીએનએસ કલમ ૧૦૩ (૧), ૧૧પ (ર), પ૪, જીપીએકટ ૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવ ગત મોડીરાત્રે ર૩.૦૧ કલાકે બન્યો હતો અને જેની ફરીયાદ વહેલી સવારે ૪.૧પ કલાકે નોંધાઈ છે. આ બનાવ અંગે વધુ તપાસ વંથલી પીઆઈ આર.બી. ગઢવી ચલાવી રહયા છે. આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.