વિશ્વ સિંહ દિવસે ગુજરાતે સંરક્ષણની સિદ્ધિઓ ગણાવી, 143 વર્ષ બાદ બરડામાં સિંહોની વાપસી
સિંહોની સંખ્યા 891 સુધી પહોંચી, બરડામાં 26 સિંહોનો વસવાટ; આધુનિક ટેક્નોલોજી અને લોકભાગીદારીથી ગુજરાતનું સંરક્ષણ મોડલ બન્યું ચર્ચાનું કેન્દ્ર
પોરબંદર તા.10
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પોરબંદરના તાજાવાલા હોલ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાયા હતા, જ્યારે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો પોરબંદર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે થઈ રહેલી કામગીરી અને આગામી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન્યજીવ અને પ્રકૃતિ સંરક્ષણના વિઝન સાથે ગુજરાતના વન વિભાગની સક્રિય કામગીરીના પરિણામે ગીરના સિંહોના સંવર્ધનની ગાથા હવે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી રહી છે. મુક્ત અવસ્થામાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી ઘર ગુજરાત છે, જે રાજ્ય માટે ગૌરવની સાથે મોટી જવાબદારી પણ છે. રાજ્ય સરકારના સતત સંરક્ષણ પ્રયાસોના પરિણામે ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને 891 સુધી પહોંચી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, આધુનિક ટેક્નોલોજી, વૈજ્ઞાનિક સંશોધન, જનભાગીદારી અને અસરકારક વહીવટના આધારે ગુજરાતે વન્યજીવ સંરક્ષણનું આગવું મોડેલ વિકસાવ્યું છે. કુદરતી સંસાધનો, જૈવ વિવિધતા, જળસ્રોતો અને વન્યજીવોના રક્ષણ સાથે સ્થાનિક લોકોની ભાગીદારીને પણ આ મોડેલમાં મહત્વ આપવામાં આવ્યું છે. સિંહો અને સ્થાનિક સમાજ વચ્ચે વિકસેલા સહઅસ્તિત્વના કારણે છેલ્લા અઢી દાયકામાં સિંહોનો વસવાટ વિસ્તાર ત્રણ જિલ્લાથી વધીને 11 જિલ્લાઓ સુધી પહોંચ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને 143 વર્ષના લાંબા સમયગાળા બાદ બરડા વિસ્તારમાં સિંહોનો પુનઃવસવાટ શરૂ થયો છે, જેને સિંહ સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. વર્ષ 2023માં બરડામાં પ્રથમ સિંહના આગમન બાદ હવે અહીં 26 સિંહોનો પરિવાર વસવાટ કરી રહ્યો હોવાનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે ગીર બાદ બરડા હવે સિંહો માટે બીજા મહત્વના આવાસ તરીકે વિકસી રહ્યું છે, જેના કારણે પોરબંદર અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં પર્યટન તથા ઇકોસિસ્ટમને પણ વેગ મળવાની શક્યતા છે. બરડા અભયારણ્યમાં જંગલ સફારી બાદ હવે અંદાજે 270 હેક્ટર વિસ્તારમાં વધુ એક સફારી પાર્ક વિકસાવવાની યોજના છે. સાથે જ મોકર સાગર અને મેઢાક્રીકને પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવવાની કામગીરી પણ ચાલી રહી છે અને મોકર સાગરને રામસર સાઈટનો દરજ્જો અપાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ ‘પ્રોજેક્ટ લાયન’નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સિંહોના રહેઠાણનું રક્ષણ અને પુનઃસ્થાપન, સ્થાનિક સમુદાયની ભાગીદારી તથા વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા માટે આ પહેલ મહત્વપૂર્ણ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સિંહ સંરક્ષણનો અર્થ માત્ર સિંહોની સંખ્યા વધારવી નથી, પરંતુ સમગ્ર પર્યાવરણ અને ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે. વન અને પર્યાવરણ મંત્રીએ પણ માનવ અને વન્યજીવો વચ્ચેના સહઅસ્તિત્વને મહત્વ આપતાં જણાવ્યું હતું કે વન્યસૃષ્ટિનું રક્ષણ થશે તો જ માનવજીવનનું ભવિષ્ય સુરક્ષિત રહી શકશે. તેમણે સિંહો સાથે છંછેડા ન કરવા અને પ્રવાસીઓ તથા સ્થાનિક લોકોને વન્યજીવોથી સલામત અંતર જાળવવા અપીલ કરી હતી. પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરાએ પણ વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણ અને પ્રવાસનના વિકાસમાં વન વિભાગ તથા સ્થાનિક માલધારી સમાજની ભૂમિકાને બિરદાવી હતી. કાર્યક્રમ દરમિયાન વન વિભાગના પેટ્રોલિંગ બાઈક અને રેસ્ક્યુ વાહનોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોરબંદર મહાનગરપાલિકાના મેયર, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ તથા વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ સિંહ દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતમાં સિંહોના સંરક્ષણ સાથે સ્થાનિક સમુદાય, પર્યાવરણ અને પ્રવાસનને જોડીને લાંબા ગાળે એક મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવાના પ્રયાસો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.


