શીતળા કુંડનાં રીનોવેશન મામલે શહેર કોંગ્રેસ દ્વારા ઘેરાવની ચીમકી

લોક ભાગીદારી માટેની ગ્રાન્ટ ગટર અને રસ્તાનાં કામો સિવાય અન્ય કામો માટે આપી ન શકાય : આયોજન મંડળની સ્પષ્ટતા

શીતળા કુંડનાં રીનોવેશન મામલે શહેર કોંગ્રેસ દ્વારા ઘેરાવની ચીમકી

જૂનાગઢ તા. 30
જૂનાગઢ શહેરનાં વોર્ડ નં. 10માં આવેલ શીતળા કુંડનાં રીનોવેશન તેમજ વિકાસ કામોને લઈને લત્તાવાસીઓ તેમજ જૂનાગઢ શહેર કોંગ્રેસ સમીતી દ્વારા છેલ્લા સાત દિવસ થયા ધરણા ઉપર બેસી અને તાત્કાલીક અસરથી રીનોવેશનની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની માંગણી કરવામાં આવી હતી. અને કોર્પોરેશન તંત્રને પણ આ અંગે રજુઆતો થઈ હતી. અને ત્રણ દિવસમાં કામગીરી શરૂ કરવાની ખાત્રી આપી હતી. પરંતુ હજુ સુધી કામગીરી થઈ નથી. આ ઉપરાંત જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા શીતળા કુંડનાં રીનોવેશન માટેની કામગીરીમાં રૂા. 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાની જાહેરાતો અગાઉ કરવામાં આવી છે. પરંતુ આ ગ્રાન્ટ શીતળા કુંડને મળી શકે નહી તેવી સંબંધીત તંત્ર દ્વારા જાહેર કરાતા કોંગ્રેસ સમીતી દ્વારા તંત્રને અલ્ટીમેટમ આપી અને વહેલી તકે કોઈપણ ગ્રાન્ટમાંથી આ કાર્ય કરવાની માંગણી કરવામાં આવી છે. અને જાે આ કામગીરી નહી શરૂ થાય તો કોંગ્રેસ દ્વારા કચેરીને ઘેરાવ સહીતનાં કાર્યક્રમો આપવાની ચીમકી પણ આપવામાં આવી છે.
જૂનાગઢ શહેર કોંગ્રેસ સમીતીનાં પ્રમુખ મનોજ જાેષીએ જણાવ્યું હતું કે શહેરનાં વોર્ડ નં. 10માં આવેલા શીતળા કુંડનાં રીનોવેશન તેમજ આ વિસ્તારની અધુરી કામગીરી અંતર્ગત સ્થાનીક રહેવાસીઓ તેમજ કોંગ્રેસ સમીતીનાં કાર્યકર્તાઓ, યુથ કોંગ્રેસનાં મીહીરભાઈ તથા લલીતભાઈ પણસારા અને કાર્યકરો દ્વારા છેલ્લા સાત-આઠ દિવસ થયા ધરણા ઉપર બેસી અને લડતના મંડાણ કરવામાં આવ્યા હતાં.  સ્ટેન્ડીંગ કમીટી તેમજ મનપાના શાસકોને મળીને પણ રજુઆતો કરવામાં આવી હતી. અને શાસકો દ્વારા એવી ખાત્રી આપવામાં આવી હતી કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે પરંતુ હજુ સુધી આ કામગીરી કરવામાં આવી નથી. મનોજભાઈ જાેષીએ વધુમાં જણાવેલ કે જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ તેની ત્રણ વર્ષની કામગીરીમાં શીતળા કુંડનાં રીનોવેશન માટેની રૂા. 50 લાખની ગ્રાન્ટ ફેઝ-1 અને ફેઝ-2 પ્રાચીન અને પુરાતન શીતળા કુંડમાં સ્નાનઘાટ બનાવવા માટેની આનુસાંગીક કામગીરી ચાલુ હોવાનું દર્શાવેલ છે. અને ધારાસભ્યની ગ્રાન્ટ પણ ફાળવી હોવાનું જાહેર કરેલ છે પરંતુ આ બાબતે તાજેતરમાં અમોએ તપાસ કરતા જીલ્લા આયોજન મંડળમાંથી એવું જણાવવામાં આવેલ કે લોક ભાગીદારીની ગ્રાન્ટમાંથી રસ્તા અને ગટરનાં કામો સિવાય આ રકમ અમે અન્ય કામો માટે અમે ફાળવી ન શકીએ તેવુ સ્પષ્ટ દર્શાવતા લોકોમાં રોષની લાગણી ઉઠવા પામી છે અને કોંગ્રેસ દ્વારા ઉપરોકત મુદાને ધ્યાને લઈ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. મનપા તંત્રને ખાસ જણાવવાનું કે વહેલી તકે શીતળા કુંડનાં રીનોવેશનની કામગીરી કોઈપણ ગ્રાન્ટમાંથી કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં કચેરીને ઘેરાવ કરવાની પણ ચીમકી મનોજભાઈ જાેષીએ આપી છે.