જૂનાગઢથી અમરનાથ યાત્રાળુઓ માટે અનોખી સેવા અથાણાં અને સીંગની શક્તિવર્ધક ચીકી સહિત હજારો કિલો સામગ્રી ભંડારાઓમાં મોકલાઈ

જૂનાગઢથી અમરનાથ યાત્રાળુઓ માટે અનોખી સેવા અથાણાં અને સીંગની શક્તિવર્ધક ચીકી સહિત હજારો કિલો સામગ્રી ભંડારાઓમાં મોકલાઈ

જૂનાગઢ તા.30
શ્રદ્ધા, સેવા અને સમર્પણના અનોખા સંગમ સમાન એવી બાબા અમરનાથ યાત્રામાં દર વર્ષે જૂનાગઢ અને સૌરાષ્ટ્રના યાત્રિકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે. યાત્રાળુઓને કઠિન અને લાંબી યાત્રા દરમ્યાન કોઈ મુશ્કેલી ન પડે તેમજ તેમને જરૂરી ખાદ્ય સામગ્રી સરળતાથી ઉપલબ્ધ બને તે માટે જૂનાગઢના સેવાભાવી લોકો વર્ષોથી નિ:સ્વાર્થ સેવા કાર્ય કરી રહ્યા છે.
આગામી તા. 8 જુલાઈના રોજ જૂનાગઢથી અંદાજે 100 જેટલા યાત્રિકો બાબા અમરનાથ યાત્રા માટે રવાના થવાના છે. આ યાત્રાને અનુલક્ષીને દ્વારા જોષીપુરા સ્થિત નારાયણ આશ્રમ ખાતે વિશેષ બેઠક અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યાત્રામાં સહયોગ આપનાર દાતાશ્રીઓ, સેવકો અને કાર્યકરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અમરનાથ યાત્રા દરમ્યાન વિવિધ સ્થળોએ ચાલતા નિ:શુલ્ક અન્નક્ષેત્રો અને ભંડારાઓ માટે મોટા પ્રમાણમાં ખાદ્ય સામગ્રી મોકલવામાં આવે છે. ખાસ કરીને યાત્રાળુઓને લાંબી મુસાફરી અને કઠિન ચઢાણ દરમિયાન શક્તિ અને ઉર્જા મળી રહે તે માટે અથાણાં, સીંગની ચીકી, ખારીસીંગ, ચાની ભૂકી તેમજ ખમણ-ઢોકળા માટેના ચણાના લોટ જેવી વસ્તુઓ હજારો કિલોના જથ્થામાં મોકલવામાં આવે છે.
આ વર્ષે ટ્રસ્ટ દ્વારા કુલ 2400 કિલો સીંગની ચીકી, 800 કિલો કેરીનો મુરબ્બો, 250 કિલો અથાણું, 600 કિલો ખારીસીંગ, 600 પેકેટ ઢોકળા મસાલો, 350 કિલો કાચા શીંગદાણા અને 200 કિલો ચાની ભૂકી વિવિધ ભંડારાઓ અને અન્નક્ષેત્રોમાં પહોંચાડવામાં આવી છે.
આ તમામ સામગ્રી , પ્રભુ પ્રસાદ પહેલગામ આર્મી બેઝ કેમ્પ, શિવ શક્તિ સેવાદાર સમિતિ પિશુટોપ, શિવ સેવક ટ્રસ્ટ પોષપત્રી, શ્રી રંગનાથ હેલિપેડ કેમ્પ પંચતરણી, શ્રી પશુપતિનાથ સેવા ટ્રસ્ટ દિલ્હી, અમરનાથ ગુફા નજીકના ઘોડા સ્ટેન્ડ વિસ્તાર તેમજ બાલતાલ ખાતે તિરંગા ગેટ પાસે આવેલા શિવ સેવા ભંડારાઓ સહિત અનેક સ્થળોએ પહોંચાડવામાં આવે છે. આ ભંડારાઓનો લાભ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ લે છે.
આ સેવા કાર્ય માટે ટ્રસ્ટ અને તેના સહયોગીઓ દ્વારા મે માસથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ખાસ કરીને કેરીની સિઝન દરમિયાન મોટી માત્રામાં કેરીના અથાણાં તૈયાર કરવામાં આવે છે. સાથે સાથે સીંગની ચીકી, ખારીસીંગ અને અન્ય ખાદ્ય સામગ્રી પણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ જૂન માસ દરમિયાન દિલ્હી, જલંધર અને શ્રીનગર તરફ ટ્રાન્સપોર્ટ મારફતે આ સામગ્રી મોકલી આપવામાં આવે છે.
છેલ્લા ૩૫ વર્ષથી વધુ સમયથી સતત અમરનાથ યાત્રા કરી રહ્યા છે. તેમના અનુભવના આધારે તેઓ યાત્રાળુઓને માર્ગદર્શન આપે છે અને યાત્રા દરમિયાન ભંડારાઓમાં જૂનાગઢ તથા સૌરાષ્ટ્રના યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખે છે.
તેમની સાથે , અને સહિતના કાર્યકરો સમગ્ર યાત્રા દરમિયાન યાત્રિકો સાથે રહી તેમની સલામતી, રહેવા-જમવાની વ્યવસ્થા તેમજ માર્ગદર્શનની જવાબદારી નિભાવે છે અને યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
જૂનાગઢ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અમરનાથ યાત્રા કરવા ઇચ્છુક કોઈપણ યાત્રિકને ટ્રસ્ટ દ્વારા જરૂરી માર્ગદર્શન, નોંધણી પ્રક્રિયા, યાત્રાની તૈયારી અને અન્ય જરૂરી માહિતી આપવામાં આવે છે. યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય તો ટ્રસ્ટના સેવકો મદદ માટે હંમેશા તૈયાર રહે છે.
વર્ષોથી ચાલી આવતી આ સેવા પરંપરા માત્ર ખાદ્ય સામગ્રી પહોંચાડવાની નથી, પરંતુ હજારો કિલો સામગ્રી પાછળ સેવાભાવ, માનવતા અને ભક્તિની ભાવના જોડાયેલી છે. જૂનાગઢના સેવકો દ્વારા પ્રજ્વલિત કરવામાં આવેલો સેવાનો આ અલખનો દીવો આજે પણ અવિરત રીતે પ્રગટતો રહ્યો છે અને લાખો અમરનાથ યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે.