મહારાષ્ટ્રના ભીવંડીમાં ૪ માળની જર્જરીત ઈમારત ધરાશાઈ થતાં ૯ના મોત

મહારાષ્ટ્રના ભીવંડીમાં ૪ માળની જર્જરીત ઈમારત ધરાશાઈ થતાં ૯ના મોત

(એજન્સી)          મુંબઈ તા.૩૧ :
મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના ભિવંડી સ્થિત નારપોલી વિસ્તારના ભંડારી કમ્પાઉન્ડમાં આવેલી ચાર માળની ‘કોહિનૂર‘ ઈમારતનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ભયાનક અકસ્માતમાં ૯ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે ઈમારતના કાટમાળ હેઠળ હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, સ્થાનિક મહાનગરપાલિકાની ટીમ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને યુદ્ધધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
નગર નિગમના અધિકારીઓએ જણાવ્યું કે બિલ્ડિંગમાં ૪૮ રૂમ હતા, જેમાં દરેક માળ પર ૧૨ રૂમ બનેલા હતા. નિગમે આ ઇમારતને પહેલાથી જ ભયજનક જાહેર કરી દીધી હતી. જે સમયે આ દુર્ઘટના થઈ, તે સમયે ઇમારતમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું. NDRF ટીમને મોટી સફળતા મળી છે. કાટમાળ નીચેથી એક મહિલાને જીવંત અને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે. તેણીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.