શનેશ્વરી અમાસ નિમિત્તે ‘હાથલા’ શનિદેવનાં મંદિરે ભકતોનું ઘોડાપુર
હાથલા શનિદેવ મંદિરે દર્શન કરી શનિકુંડમાં સ્નાન કરી અને ત્યાં (ચપલ, બુટ) ઉતારી નાખવામાં આવે તો શનિદેવ કષ્ટ દૂર કરે છે
(પ્રતિનિધિ દ્વારા)
આદિત્યાણા તા. ૧૦
આજે શનિવાર અને અમાસનો સંયોગ એટલે શનેશ્વરી અમાસ કહેવાય. આજે દેવભૂમિ દ્વારકાના હાથલા ગામે શનિદેવ મંદિરે વહેલી સવારથી ભકતોનું ધોડાપુર ઉમટી પડયું હતું. શનિદેવ એવા દેવ છે કે જે તેઓએ કર્મ કરેલ હોય તેનું ફળ શનિદેવની પનોતી ચાલતી હોય તે દરમ્યાન મળે છે. સારૂ કાર્ય કરેલ હોય તો સારૂ ફળ મળે છે. અને ખરાબ કર્મ કરેલ હોય તો ખરાબ ફળ મળે છે. જેને ગોચરમાં શનિ ગ્રહ ચોથા અને આઠમાં સ્થાને હોય તેને નાની પનોતી કહેવાય છે. અને જયારે બારમે, પહેલા અને બીજા સ્થાનમાં શનિ ગ્રહ હોય તો મોટી પનોતી સાડા સાતની પનોતી કહેવાય છે. નાની પનોતી અઢી વર્ષ ચાલે છે. આ નાની કે મોટી પનોતી દરમ્યાન કોઈપણ તકલીફમાં પસાર થતા હોય ત્યારે હાથલા શનિદેવ મંદિરે દર્શન કરી શનિકુંડમાં સ્નાન કરી અને ત્યાં (ચપલ, બુટ) ઉતારી નાખવામાં આવે તો શનિદેવ કષ્ટ દૂર કરે છે તેવું જયોતિષકારો કહે છે. બુટ, ચપલ જે કાયમી પહેરતા હોય તે ઉતારીને છોડવાના હોય છે. આ શનિદેવ મંદિરે જે શનિકુંડ આવેલ છે તેનું પણ અનન્ય મહત્વ છે. આ કુંડમાં ગમે તેવા દુષ્કાળમાં પણ પાણી સુકાતુ નથી. આજનાં દિવસે મંદિરે ટ્રેકટર ભરાય તેટલા બુટ ચપલ લોકો છોડી જાય છે. અને આ છોડવામાં આવેલા બુટ, ચપલ, કપડા જરૂરીયાતમંદોને આપવામાં આવે છે. આજનાં દિવસે શનિદેવને લોખંડની વસ્તુ, સરસવાનુ તેલ, કાળા તલ, ગોળ, કાળુ કપડુ, કાળુ સુતર, પેંડા વિગેરે ધરવામાં આવે છે. શનિદેવને રીઝવવા માટે દાન-પૂણ્યનું ખાસ મહત્વ છે. આજના દિવસે શનેશ્વરી અમાસના તેમજ કાયમી દાન કરવાની પનોતીની અસરમાં ઘટાડો થાય છે. વૃધ્ધો, અશકત, અંધ, અપંગ, નિરાધાર લોકોની સેવા કરવાથી અને દાન કરવાથી પનોતીનું ખરાબ ફળ મળતું નથી. ખાસ તો મા-બાપની સેવા કરવી એ જ ઉત્તમ ફળ ગણાય છે. હાથલા શનિદેવ મંદિરનું વિશેષ મહત્વ તો એ છે કે બાળકોથી માંડી વૃધ્ધો, મહિલાઓ પણ શનિદેવનાં નિજ મંદિરમાં જઈ પુજા કરી શકે છે. શનિદેવની પનોતી ચાલતી હોય તેવા લોકો દરરોજ પીપળાને પાણી રેડી પુજા કરે અને ઓમ:નમો ભગવતે વાસુદેવાય મંત્ર ઓમ શં: શનેશ્વરાયે નમ: મંત્રનાં જાપ કરતા કરતા નવ પ્રદિક્ષણા કરે તો વિશેષ ફાયદો થાય તેવુ જાણકારો કહે છે. હાથલા શનિદેવ મંદિર બહાર શનીકુંડમાં સ્નાન કરવું એ પણ ખાસ મહત્વનું છે. તેમાં પણ મામા-ભાણેજને સ્નાન કરાવી નવા વસ્ત્રો પહેરાવી ભાણેજને શણગારે તો શનિદેવની પનોતી નજીક આવતી નથી કે ખરાબ ફળ આપતી નથી. એટલે શનિદેવની પનોતી આવતી હોય તેવા લોકો શનિદેવ દર્શન કરવા જાય ત્યારે પોતાના ભાણેજને પણ સાથે લઈ જાય તેનું ખાસ મહત્વ રહેલું છે.


