શાહરૂખ ખાન, અજય દેવગણ, ટાઈગર શ્રોફ પાન-મસાલાની જાહેરાત કરીને ફસાયા
(એજન્સી) જયપૂર તા.૧૨:
પાનમસાલા અને ગુટકાની જાહેરાતો કરતા મોટા સ્ટાર્સ ઘણી વખત વિવાદમાં ફસાઈ જાય છે. હાલમાં શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ લાંબા સમયથી વિમલ બ્રેન્ડની જાહેરાતોમાં દેખાઈ રહ્યા છે. હવે જયપુર કન્ઝયુમર ફોરમે વિમલ બ્રાન્ડના ઉત્પાદક અને આ ત્રણેય બોલીવુડ સ્ટાર્સને ગેરમાર્ગે દોરનારી જાહેરાત કરવા બદલ નોટિસ ફટકારી છે. આ નોટિસ ફટકારતાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે જ્યારે બજારમાં કેસર પાંચ લાખ રૂપિયે કિલો છે તો આ પાનમસાલાના દરેક દાણામાં કેસરનો સ્વાદ કઈ રીતે મળી શકે ? અસલમાં આખો વિવાદ આ જાહેરાતમાં વપરાયેલી પંચલાઇનને લઈને શરૂ થયો છે. જાહેરાતને ભ્રામક અને ગુમરાહ કરનારી ગણાવવામાં આવી રહી છે. એની પંચલાઇન છે, ‘દાને દાને મેં કેસર કા દમ.‘ આ જાહેરાત પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે કે જ્યારે બજારમાં કેસર પાંચ લાખ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે તો આ પાંચ રૂપિયાના પાનમસાલાના નાના પાઉચમાં દરેક દાણામાં અસલ કેસરનો સ્વાદ કઈ રીતે આવી શકે ?


