સુરતમાં યુવા ભાજપ નેતાની સરાજાહેર તીક્ષ્ણ હથીયારોના ઘા ઝીંકી કરપીણ હત્યા
(બ્યુરો) સુરત તા.18
સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને સરાજાહેરમાં હત્યા કરવામાં આવી છે.
મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં પદ ધરાવતો હતો અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે પક્ષની કામગીરી સંભાળતો હતો.
સત્તાધારી પક્ષના એક યુવા પદાધિકારીની આ રીતે ધોળા દિવસે ક્રૂર હત્યા થઈ જતાં સમગ્ર સુરતના ભાજપના વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જ્યારે સામાન્ય જનતામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને ભયનો માહોલ વ્યાપી ગયો છે.


