૧૮ માસના સસ્પેન્સનો અંત : જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ બનશે
(બ્યુરો) અમદાવાદ તા.૩ :
લગભગ ૧૮ માસના લાંબા સસ્પેન્સ બાદ આજે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ભુપેન્દ્ર પટેલ સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) નિશ્ચિત થયા છે તેમણે આજે બપોરે ૧૨.૩૯ મિનિટે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં વિજય મુર્હુતમાં ઉમેદવારી નોંધાવી હતી.
જગદીશ વિશ્વકર્મા હાલ નિકોલના ધારાસભ્ય છે તથા તેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે તથા બે ટર્મથી ચુંટાતા આવ્યા છે. તેઓ હવે ગુજરાત ભાજપના ૧૧માં પ્રદેશ પ્રમુખ બનશે. આજે પંચાલની સાથે ભાજપની રાષ્ટ્રીય પરિષદના ૩૯ સભ્યો માટે પણ ઉમેદવારી થશે જે રાષ્ટ્રીય પ્રમુખની ચુંટણીમાં પણ મતદાર હશે અને બપોરે ૨ વાગ્યા સુધી ઉમેદવારી પુર્ણ થયા બાદ ચકાસણી વિગેરેની ઔપચારીક પ્રક્રિયા થશે. કાલે સવારે ૧૧ વાગ્યે કમલમમાં રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ભુપેન્દ્ર યાદવની હાજરીમાં જગદીશ પંચાલને નવા પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરાશે.


