રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું ડીમોલીશન - ‘ઓપરેશન જંગલેશ્વર’

આજે સવારથી લોખંડી બંદોબસ્ત વચ્ચે ડીમોલીશનની કાર્યવાહી શરૂ : ૧૪૮૯ બાંધકામોને જમીનદોસ્ત કરી સરકારી જમીન ખુલ્લી કરાશે

રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું ડીમોલીશન - ‘ઓપરેશન જંગલેશ્વર’

(બ્યુરો)            રાજકોટ, તા.૨૩
રાજકોટના ઇતિહાસનું સૌથી મોટુ ડિમોલીશન ‘ઓપરેશન જંગલેશ્વર‘ આજે વહેલી સવારથી મહાપાલિકા અને પોલીસ તંત્રના વિશાળ કાફલાએ શરૂ કરી દીધુ છે. સંવેદનશીલ અને અમુક ભાગમાં અસામાજિક પ્રવૃત્તિ માટે સૌરાષ્ટ્રભરમાં જાણીતા બનેલા જંગલેશ્વરમાં ૧૪૮૯ બાંધકામો હટાવવા સરકારે થોડા સમય  પહેલા લીલી ઝંડી આપતા આજે આ કામગીરી શરૂ થઇ છે. 
નદીના પુરના વહેણમાં આવતી આજી નદી પટની પપ હજાર ચો.મી. અને ૧૫ મીટરના ટીપી રોડની ૩૨૦૦૦  ચો.મી. જગ્યા પરના આ બાંધકામો હટાવવાની તૈયારી વચ્ચે ગઇકાલે સાંજ સુધીમાં ૧૦ર૬ આસામીઓ સ્વૈચ્છિક  દબાણો હટાવી લીધાનું અથવા જગ્યા ખાલી કર્યાનું મનપાએ જણાવ્યું હતું.
આજે સવારે મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે સવારે ૭.૩૦ આસપાસ કાર્યવાહી શરૂ થઇ ગઇ હતી. બપોર સુધીમાં પ૦૦થી વધુ બાંધકામો બુલડોઝરથી હટાવી દેવામાં આવ્યા છે. આજે મોડી સાંજ સુધીમાં મોટા ભાગની  કામગીરી પુરી થઇ જાય તેવી શકયતા છે. આ અંગે સરકારને સતત રીપોર્ટીંગ કરાઇ રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટુ મેગા ડિમોલીશન જંગલેશ્વર વિસ્તારમાં આજે શરૂ થતા  સમગ્ર જંગલેશ્વર વિસ્તારને ૭ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-૧ના અધિકારી મુકાયા છે. આ કામગીરી પર રપ ડ્રોન કેમેરા અને ૩૦ વોકીટોકી સેટ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મેગા ડિમોલીશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. જયાંથી મનપા કમિશ્નર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે. સવારે ૭ વાગ્યાથી શેઠ હાઇસ્કુલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ૧૧૩૦થી વધુ સ્ટાફ તૈનાત છે અને શહેરના તમામ આઇએએસ તથા આઇપીએસ અધિકારીઓ સ્થળ પર હાજર છે. 
મનપા અને પોલીસ તંત્ર દ્વારા આ ઓપરેશનની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત હેઠળ આ કામગીરીમાં દોઢ હજાર જેટલા કર્મચારીઓ, પોલીસ જવાનો, મનપાના તમામ વિભાગના વર્ગ-૧થી માંડી વર્ગ-૩ના કર્મચારીઓ સામેલ છે. મનપાએ જાતે દબાણ હટાવનાર લોકો માટે  સામાન ફેરવવા ટ્રેકટરની વ્યવસ્થા પણ કરી હતી.