અમરેલીના સાવરકુંડલા ગામે ગેરકાયદેસર રીતે પશુઓને ભરૂચ કતલખાને લઈ જતી ટ્રક પકડાયો

અમરેલીના સાવરકુંડલા ગામે ગેરકાયદેસર રીતે પશુઓને ભરૂચ કતલખાને લઈ જતી ટ્રક પકડાયો

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહેલા અબોલ પશુઓ ભરેલી એક ટ્રકને ગૌપ્રેમીઓએ લાઠી રોડ બાયપાસ પર રોકી હતી. આ મામલે અમરેલી પોલીસે ટ્રકચાલક સહિત બે સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, બાતમીને આધારે ગૌપ્રેમીઓ તાત્કાલિક લાઠી રોડ બાયપાસ પર સક્રિય થયા હતા અને શંકાસ્પદ ટ્રકને રોકીને તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ 11 ભેંસ મળી આવી હતી, જેને ગેરકાયદે રીતે ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહી હતી.
ગૌપ્રેમીઓએ તરત જ ટ્રકને કબજે કરી સમગ્ર મામલો અમરેલી પોલીસને સોંપ્યો હતો. અમરેલી પોલીસ દ્વારા ટ્રકચાલક સહિત બે લોકો અને કતલખાને લઈ જવાતા પશુઓ અંગે ગુજરાત પશુ સંરક્ષણ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.