આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
(બ્યુરો) ગાંધીનગર તા.૧૯
ગુજરાતમાં હાલ ખાસ મતદાર સુધારણા યાદી(SIR)ની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં મતદારોની ગણતરીની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર ૧૮ જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે.
આજે બપોર સુધીમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ મતદારો ઓનલાઈન પોતાના નામની ચકાસણી કરી શકશે. ૬ સ્ટેપમાં નામની ચકાસણી થઈ શકશે. જો ડ્રાફ્ટ યાદીમાં નામ નથી તો ચિંતા કરવાની જરુર નથી. નામ નહીં હોય તેની સામે કારણ પણ આપેલું હશે. જે કારણને લઈ નાગરીકો ૧૮મી જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકશે.


