પોરબંદરમાં આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસમાં જાેડાવવા ઈચ્છુંક ઉમેદવારો માટે દિન-૩૦ના નિવાસી તાલીમ વર્ગનું આયોજન
૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર ખાતે રૂબરૂમાં અરજી કરવાની રહેશે
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧ર
પોરબંદર જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસમાં જાેડાવવા ઈચ્છુંક ઉમેદવારો માટે દિન-૩૦ ના નિવાસીતાલીમ વર્ગનુ આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસમાં વધુમાં વધુ પસંદગી થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી પોરબંદર ખાતે ૩૦ દિવસના તદ્દ્ન નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગનું(રહેવા તથા જમવાની સગવડ સાથે) આયોજન કરવામાં આવેલ છે, જેમા ફિઝીકલ તથા લેખીત પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવશે. આ તાલીમ વર્ગમા જાેડાવા ઈચ્છતા પોરબંદર જિલ્લાના ઉમેદવારોને જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર ખાતે રૂબરૂ આવી તા.૩૦/૦૯/૨૦૨૫ સુધીમાં અરજી આપવા જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા જણાવાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ નિવાસી તાલીમમાં જાેડાવવા માટે ઉમેદવાર ધો.-૧૦ માં ૪૫% સાથે અથવા ધો.-૧૨ માં ૫૦% સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જાેઈએ. તેની ઉંમર ૧૭.૫ વર્ષ ૨૩ વર્ષ તેમજ ઉંચાઈ – ૧૬૨ સે.મી., વજન - ૫૦ કિલોગ્રામ, છાતી - ફુલાવ્યા વગર ૭૭ સે.મી. અને ફુલાવેલ ૮૨ સે.મી. હોવી જાેઈએ. આ તાલીમ દરમ્યાન શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ, વજન, છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ-અપ્સ વિગેરેની તાલીમ ભરતીને અનુરૂપ ફિઝીકલ તથા લેખીત તાલીમ આપવામાં આવશે. અગાઉ નિવાસી તાલીમમાં જાેડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જાેડાઈ શકશે નહિ. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે અને આ નિવાસી તાલીમવર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરિક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.


