ટોરેન્ટના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા વ્યારામાં આદિવાસી આરોગ્ય સેવા ક્ષેત્રે નવા અધ્યાયનો શુભારંભ

સંકલિત જનરલ હોસ્પિટલનો પુન:ર્વિકાસ અને મેડિકલ કોલેજ પ્રોજેકટની શરૂઆત

ટોરેન્ટના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા વ્યારામાં આદિવાસી આરોગ્ય સેવા ક્ષેત્રે નવા અધ્યાયનો શુભારંભ

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ, તા.ર૩
ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા આજે વ્યારા ખાતે ૩૧૭ બેડની પુનર્નિર્મિત ‘ટ્રાન્ઝિશનલ‘ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, ગુજરાત સરકાર સાથેની જાહેર-ખાનગી ભાગીદારી‘ (PPP) હેઠળ આકાર લઈ રહેલા યુએનએમ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પ્રોજેક્ટ‘ અંતર્ગત નવી હોસ્પિટલ ઇમારતનો શિલાન્યાસ પણ સંપન્ન થયો હતો. આ સાથે જ વ્યારા ખાતેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવનિર્મિત ૩૧૭ બેડની અત્યાધુનિક સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ યુ.એન.એમ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની ૮૦૦ બેડની વિશાળ નવી હોસ્પિટલ ઇમારતનું ભૂમિપૂજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ નવી હોસ્પિટલ હાલની ૧૫૬ બેડની જૂની હોસ્પિટલનું સ્થાન લેશે.
આ પ્રસંગે ગુજરાત સરકારના માનનીય આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ મગનભાઈ પટેલ અને ડૉ. જયરામ ગામિત, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી (સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
હાલ વ્યારા જનરલ હોસ્પિટલમાં ચાલી રહેલી તમામ તબીબી સેવાઓ અને દર્દીઓની સારવાર હવે આ નવનિર્મિત ૩૧૭ બેડની ‘ટ્રાન્ઝિશનલ હોસ્પિટલ‘માં સ્થળાંતરિત કરવામાં આવશે. નવી ૮૦૦ બેડની વિશાળ હોસ્પિટલના નિર્માણ કાર્ય દરમિયાન પણ દર્દીઓની સારવારમાં કોઈ ખલેલ ન પહોંચે અને આરોગ્ય સેવાઓ નિરંતર ચાલુ રહે, તે હેતુથી વ્યારા જનરલ હોસ્પિટલના હાલના કેમ્પસમાં જ આ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
આ ૩૧૭ બેડની પુનર્વિકસિત ટ્રાન્ઝીશનલ સુવિધા વ્યારા જનરલ હોસ્પિટલના હાલના કેમ્પસમાં સ્થિત છે. આગામી સમયમાં આ સમગ્ર કેમ્પસને એક અત્યાધુનિક હેલ્થકેર હબ તરીકે વિકસાવવામાં આવશે, જે મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા તાપી જિલ્લા તેમજ આસપાસના વિસ્તારો માટે સંજીવની સમાન બની રહેશે. પ્રોજેક્ટના આગામી તબક્કામાં અહીં ૧૫૦ બેઠકો ધરાવતી MBBS મેડિકલ કોલેજ અને વિધાર્થીઓ માટે સુસજ્જ હોસ્ટેલનું નિર્માણ પણ કરવામાં આવશે. જેનાથી વ્યારા અને નજીકના ગ્રામીણ ક્ષેત્રોના યુવાનોને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ મેળવવાની ઉત્તમ તક સાંપડશે. આ સમગ્ર મહત્વાકાંક્ષી પ્રોજેકટનો અંદાજિત ખર્ચ રૂા.૯૧૦ કરોડ છે, જેનો સંપૂર્ણપણે યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા વહન કરવામાં આવશે.