હવે એક જ નંબર ૧૧ર ઉપર પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની ઈમરજન્સી સેવા પ્રાપ્ત થશે

કુદરતી આપતિ, અકસ્માતનાં બનાવ સહીતની ગંભીર પરિસ્થિતિમાં મદદ મેળવવા માટે એક જ સ્થળેથી ગુજરાતભરમાં મોનીટરીંગ થશે અને તત્કાલ સેવા પુરી પડાશે

હવે એક જ નંબર ૧૧ર ઉપર પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની ઈમરજન્સી સેવા પ્રાપ્ત થશે

જૂનાગઢ તા. ર૩
ગુજરાત સરકારનો એવો અભિગમ રહયો છે કે છેવાડાનાં માનવી સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળી શકે તે માટેનાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. સાથે સાથે ઈમરજન્સી સેવા માટે પણ જે તે લોકો સુધી મદદ મળી શકે તે માટે નવતર અભિગમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે સરકારશ્રીનાં આદેશ અનુસાર એક જ નંબર એટલે કે ૧૧ર ડાયલ કરવાથી પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની સેવા તત્કાલ નાગરીકોને પુરી પડાશે તેમ જાણવા મળે છે.
ગુજરાતમાં ઈમરજન્સી ૧૦૮ની સેવા અતી કારગત નીવડી છે અને દૂર દૂર જંગલનાં વિસ્તારોમાં પણ એક ફોન કોલ્સ આવતા જ જરૂરી મદદ પુરી પાડવામાં આવે છે. ૧૦૮માં ફોન કરો એટલે ગાંધીનગર ખાતે તેનું મોનીટરીંગ થાય અને જે તે સ્થળે સમયસર સેવા અને મદદ મળી શકે. આ દરમ્યાન કુદરતી આપતિઓ, અકસ્માત, આગના બનાવો કે અન્ય કોઈ ઈમરજન્સી ઉભી થાય ત્યારે દરેક શહેરો અને ગામોમાં જુદા જુદા વિભાગનાં નંબર ડાયલ કરવાથી જરૂરી સેવા અને મદદ મળતી હતી. દા.ત. કયાંય આગ લાગી હોય તો ફાયર વિભાગનો કોન્ટેકટ કરવામાં આવે. પોલીસની મદદની જરૂર હોય તો પોલીસ વિભાગનો કોન્ટેક કરાતો. અને એમ્બ્યુલન્સની જરૂરીયાત હોય તો એમ્બ્યુલન્સ વિભાગનો નિર્ધારીત નંબર ઉપર કોન્ટેકટ કરવામાં આવતો હતો. આમ અલગ અલગ નંબર ડાયલ કરવાથી તેમને જરૂરી સેવા અને મદદ મળી જતી હતી. પરંતુ હવે સરકારે જરૂરીયાતમંદ લોકોને વહેલી તકે ઝડપી અને જરૂરી મદદ મળી શકે તે માટે સુવ્યવસ્થિત પ્લાનીંગ કરેલ છે અને જે અંતર્ગત મળતી વિગત અનુસાર પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની સેવા ૧૧ર નંબર ડાયલ કરવાથી એક જ સ્થળેથી તેનું મોનીટરીંગ થશે અને જે તે જરૂરીયાતમંદ સુધી આ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુમાહિતગાર સાધનોનાં જણાવ્યા અનુસાર કોઈપણ ક્ષેત્રમાં કે કોઈપણ વિસ્તારમાં પોલીસ, ફાયર કે એમ્બ્યુલન્સની જરૂર પડી અને ૧૧ર નંબર ડાયલ કરવાથી સરકારશ્રીનાં ચોકકસ વિભાગ દ્વારા તેનું મોનીટરીંગ કરવામાં આવશે. જીપીએસ સીસ્ટમ અંતર્ગત તેનું લોકેશન મેળવી અને કયાં વિસ્તારમાં જરૂરી મદદ મોકલવાની છે તે અંગે પુરતી માહિતી મેળવી અને ગણતરીનાં સમયમાં જ જે તે વિસ્તારમાં આવેલી પોલીસ ફોર્સ, કે એમ્બ્યુલન્સ કે ફાયર તાત્કાલીક મોકલી દેવામાં આવશે. અને પિડીતો કે જરૂરીયાતમંદોને મદદ પુરી પાડવામાં આવશે. હાલ પ્રાયોગીક ધોરણે આ સેવા કાર્યરત બનાવવામાં આવી છે. અને તેનાં અસરકારક અમલીકરણ માટે સરકારશ્રી દ્વારા તેમની સુચના અનુસાર જહેમત ઉઠાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.