ભવનાથમાં આવેલ ભારતી આશ્રમનાં લઘુમહંત મહાદેવ ભારતી લાપત્તા થયાના ૪૮ કલાક થી વધુ પણ હજુ સુધી કોઈ કડી મળી નથી !

ડીવાયએસપી હિતેશ ધાધલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો દ્વારા સઘન તપાસ : ટેકનીકલ સોર્સ, ડોગ સ્કવોડની પણ મદદ લેવાય : તમામ પાસા ઉપર તપાસ કેન્દ્રીત : નિવેદનો, પુછપરછનો દોર

ભવનાથમાં આવેલ ભારતી આશ્રમનાં લઘુમહંત મહાદેવ ભારતી લાપત્તા થયાના ૪૮ કલાક થી વધુ પણ હજુ સુધી કોઈ કડી મળી નથી !

જૂનાગઢ તા. ૪
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં વિશ્વંભર ભારતી બાપુની જગ્યા તરીકે ઓળખાતા ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયાનાં બનાવને લઈને ભારે ચકચાર જાગી ઉઠી છે. ગુમ થવા પહેલા મહાદેવ ભારતી બાપુએ સુસાઈડ નોટ લખી અને તેઓને ટોર્ચર કરવામાં આવતા હોવાનું પણ જણાવી અને કેટલાક નામોનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહાદેવ ભારતી ગુમ થયા એને ૪૮ કલાક જેવો સમય વિતી ગયો છે. પરંતુ હજુ કોઈ કડી પ્રાપ્ત થઈ નથી. તેઓની ભાળ મેળવવા અને શોધખોળ માટે પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને પોલીસ વિભાગ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.
તાજેતરમાં જ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ અચાનક કોઈને કહયા વિના આશ્રમમાંથી જતા રહયા હતાં. અને સુસાઈડ નોટ પણ ત્રણ પાનાની મુકી ગયા હતાં. જેમાં ચોંકાવનારી વિગતો જાહેર કરવામાં આવી હતી. આશ્રમ સંચાલકોએ ભવનાથ પોલીસને આ ઘટનાની જાણ કરતા ભવનાથ પોલીસ તેમજ સંબંધીત અધિકારીઓ બનાવના સ્થળે પહોંચી ગયા હતાં. અને તપાસની કામગીરી હાથ ધરી હતી. સીસી ટીવી કેમેરાના ફુટેજ તેમજ અન્ય બાબતો ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવેલ હતું. સુસાઈડ નોટ પણ કબ્જે કરવામાં આવી હતી. અને તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમ્યાન ગઈકાલે પોતે જટાશંકરની જગ્યા ખાતે હોવાનો એક કોલ આશ્રમના ટ્રસ્ટીને આવ્યો હતો. જે અંગેની જાણ થતાં પોલીસ અને તંત્ર જટાશંકર પહોંચ્યા હતાં પરંતુ ત્યાંથી પણ મહાદેવ ભારતી બાપુ નીકળી ગયા હતાં. અને આમ મહાદેવ ભારતીની કોઈ ભાળ મળી ન હતી. દરમ્યાન ડીવાયએસપી હિતેશ ધાધલીયાનાં માર્ગદર્શન હેઠળ પોલીસની ત્રણ જેટલી ટીમો દ્વારા વન વિભાગને સાથે રાખી અને જંગલ વિસ્તાર ખુંદી રહી છે. ટેકનીકલ સોર્સ તેમજ ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી રહી છે. ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીઆઈ એચ.કે. હુંબલ અને તેમની ટીમ દ્વારા પણ આ તપાસમાં જાેડાયા છે અને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર પોલીસ તમામ દિશામાં હાલ તપાસ કરી રહી છે. સુસાઈડ નોટમાં જે નામોના ઉલ્લેખ હતાં તેઓની પણ પુછપરછ તેમજ મહાદેવ ભારતી બાપુ સાથે સંબંધ ધરાવતા તેમજ સંકળાયેલા તથા શિષ્ય સમુદાય તેમજ જે લોકોએ કોલ કર્યા હોય તે તમામની પણ પુછપરછ હાથ ધરી નિવેદનો લેવામાં આવી રહયા છે. ભારતી આશ્રમની આજુબાજુનાં લોકો, સેવક ગણની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. આ લખાય છે ત્યારે હજુ સુધી લઘુ મહંત મહાદેવ ભારતી બાપુની કોઈ ભાળ કે સઘન મળ્યા નથી. ૪૮ કલાકથી વધુ સમય વિતી ગયો છે. અને પોલીસ તપાસ જાેરશોરથી ચાલી રહી છે.