દેશની 3 સરકારી પેટ્રોલીયમ કંપનીઓને ત્રિમાસીક નફો અધધ... રૂપિયા 25 હજાર કરોડ : જંગી ખોટની વાત માત્ર કાગારોળ
(એજન્સી) નવી દિલ્હી, તા.21
એક તરફ દેશની સામાન્ય જનતા પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવોના કારણે મોંઘવારીનો અસહ્ય માર સહન કરી રહી છે, ત્યારે બીજી તરફ દેશની સરકારી પેટ્રોલિયમ કંપનીઓ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે.
જાહેર થયેલા નાણાકીય પરિણામો દર્શાવે છે કે, પેટ્રોલિયમ કંપનીઓને તો જબરદસ્ત નફો થયો છે, દેશની અગ્રણી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ એ 2025-26ના નાણાકીય વર્ષમાં નફાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો થયો છે.
ઇન્ડિયન ઓઇલને માર્ચ ક્વાર્ટર 2026માં રૂ. 14,667 કરોડ નફો થયો છે. તો ભારત પેટ્રોલિયમ(BPCL)નો માર્ચ ક્વાર્ટર 2026નો નફો રૂ. 6,442 કરોડ છે. એવી જ રીતે, હિંદુસ્તાન પેટ્રોલિયમ કંપનીનો માર્ચ ક્વાર્ટર 2026નો નફો રૂ. 4,902 કરોડે પહોંચી ગયો છે.


