માલ્યા-મોદીને ભારત પરત લાવવા સરકાર પ્રતિબધ્ધ
(એજન્સી) નવી દિલ્હી તા.૨૭:
ભારતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદી અને વિજય માલ્યાના દેશમાં પાછા ફરવામાં થયેલા વિલંબ અને તેમને ક્યારે પાછા લાવવામાં આવશે તે અંગે માહિતી આપી છે.
રણધીર જયસ્વાલને પૂછવામાં આવ્યું હતું કે શું લલિત મોદી અને વિજય માલ્યા જાણી જોઈને આવું કરીને ભારતીય એજન્સીઓને ઉશ્કેરી રહ્યા છે. તેમણે પરિસ્થિતિ અને એજન્સીઓ આ કેસમાં વિલંબ કેમ કરી રહી છે તે અંગે અપડેટ માંગ્યું હતું. જવાબમાં રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સરકાર આપણા કાયદાથી ભાગેલા અથવા ભાગી રહેલા તમામ લોકોને પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે.
રણધીર જયસ્વાલે કહ્યું, અમે કાયદા દ્વારા વોન્ટેડ અને ભારતમાંથી ફરાર લોકોને પાછા લાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. અમે સરકારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને આ પ્રક્રિયા ચાલુ છે. આમાં અનેક કાનૂની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, પરંતુ અમે તેમને દેશમાં પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છીએ જેથી તેઓ અહીંની અદાલતોમાં કેસનો સામનો કરી શકે.
નોંધનીય છે કે લલિત મોદીએ તાજેતરમાં વિજય માલ્યાના જન્મદિવસની પાર્ટીનો એક વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં તેમણે પોતાને ભારતના બે સૌથી મોટા ભાગેડુઓમાંના એક તરીકે ગણાવ્યા હતા. આ વીડિયો લલિત મોદીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.


