રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર : 18 જૂને મતદાન
(એજન્સી) નવી દિલ્હી, તા.22
રાજ્યસભાની 24 ખાલી બેઠકો માટેની ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચે આજે દ્વિર્વાષિક ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે. દસ રાજ્યોની 24 બેઠકો માટે 18 જૂને મતદાન થશે. ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત 10 રાજ્યોમાં 24 બેઠકો માટે ચૂંટણી 18 જૂન, 2026ના રોજ યોજાશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યે મત ગણતરી કરવામાં આવશે. ચૂંટણી પંચની જાહેરાત બાદ, સંબંધિત રાજ્યોમાં રાજકીય હિલચાલ તેજ થઈ ગઈ છે. રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં સૌથી વધુ ચાર-ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે.
ગુજરાતના ચાર સાંસદો રામ મોકરીયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારા નિવૃત્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ નિવૃત્ત થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રીઓ રવનીત સિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયન પણ રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. રાજસ્થાનના રાજેન્દ્ર ગેહલોત, નીરજ ડાંગી અને રવનીત સિંહની બેઠકો પણ ખાલી થવા જઈ રહી છે.


