રેલ સુરક્ષા મજબૂત કરવાની દિશામાં રાજકોટ ડિવિઝનનું મહત્વપૂર્ણ પગલું
ઓખા-ગોરિંજા સેક્શનમાં વધારાના પાણી નિકાલ માર્ગનું નિર્માણ પૂર્ણ : ભારે વરસાદમાં પાણી ભરાવાનું જોખમ ઘટશે
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે સર્જાતી પાણીના નિકાલની સમસ્યાને હલ કરવા અને રેલ સંચાલનની સુરક્ષાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઓખા-ગોરિંજા સેક્શનમાં વધારાના પાણી નિકાલ માર્ગનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમશિર્યલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ વધારાના પાણી નિકાલ માર્ગથી ભારે વરસાદ દરમિયાન પાણીના સરળ પ્રવાહમાં મદદ મળશે તથા રેલવે ટ્રેકની આસપાસ પાણી ભરાવાની સ્થિતિ ઓછી કરી શકાશે. આનાથી અતિશય જળપ્રવાહને કારણે રેલવે ટ્રેકના ધોવાણ તેમજ પાળા (તટબંધ)ને થતા સંભવિત નુકસાનને અટકાવવામાં પણ સહાય મળશે. નવનિમિર્ત વધારાના પાણી નિકાલ માર્ગની લંબાઈ ૧૫ મીટર, પહોળાઈ ૩ મીટર અને ઊંચાઈ ૧.૯ મીટર છે. ભારે વરસાદ દરમિયાન મોટા પ્રમાણમાં પાણી રેલવે ટ્રેકની જમણી બાજુએ એકત્રિત થઈ જતું હતું, જેના કારણે રેલવે ટ્રેક ધોવાઈ જવાનું સતત જોખમ રહેતું હતું. હવે આ વધારાના પાણી નિકાલ માર્ગ મારફતે પાણી રેલવે ટ્રેકની જમણી બાજુથી ડાબી બાજુ વહીને આગળ નેશનલ હાઈવે પર સ્થિત પુલ દ્વારા બહાર નીકળી શકશે. આનાથી પાણીના નિકાલને વધુ અસરકારક બનાવવામાં અને રેલવે ટ્રેકની સુરક્ષાને મજબૂત કરવામાં મદદ મળશે. આ કામગીરીથી ચોમાસા દરમિયાન રેલ સંચાલનની વિશ્વસનીયતા તેમજ નિયમિતતા જાળવી રાખવામાં મદદ મળશે. પાણી નિકાલની બહેતર વ્યવસ્થાને કારણે પ્રતિકૂળ હવામાનમાં ટ્રેનોના સલામત સંચાલન તથા મુસાફરોને વધુ વિશ્વસનીય રેલ સેવા પૂરી પાડવામાં સહાયતા થશે. આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે રાત્રે ૨૩:૦૦ વાગ્યાથી સવારે ૦૪:૦૦ વાગ્યા સુધી ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો હતો. નિર્માણ કાર્ય નિર્ધારિત સમયમાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને બ્લોક સમયસર સમાપ્ત કરવામાં આવ્યો હતો, જેથી રેલ સંચાલન નિર્ધારિત સમયપત્રક મુજબ પુન: શરૂ કરી શકાયું. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “ચોમાસા દરમિયાન રેલ સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વધારાના પાણી નિકાલ માર્ગથી ભારે વરસાદ દરમિયાન પાણીના અસરકારક નિકાલમાં મદદ મળશે અને રેલવે ટ્રેકને થતા સંભવિત નુકસાનનું જોખમ ઘટશે. આનાથી ટ્રેનોના સુરક્ષિત તેમજ સરળ સંચાલનમાં સહાય મળશે.”


