રેલ્વે સ્ટેશનથી ગાંધીચોક સુધીનો રોડ બંધ કરાતા તમામ ધંધા ચોપટ

મનપાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ છવાયો

રેલ્વે સ્ટેશનથી ગાંધીચોક સુધીનો રોડ બંધ કરાતા તમામ ધંધા ચોપટ

જૂનાગઢ તા. ૩૦
જૂનાગઢ શહેરમાં રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીનાં માર્ગને વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે બંધ કરવામાં આવેલ છે. ખાસ કરીને ભુગર્ભ ગટર ફેઝ-રની કામગીરી અંતર્ગત આ રસ્તો બંધ કરવામાં આવતાં પંચર સાંધવાની દુકાનથી લઈ ચાની રેકડી, રેસ્ટોરન્ટ, હોટલ, લોજ, પાનના ગલ્લા, પેટ્રોલ પંપ, ટ્રાન્સપોર્ટ સહીતનાં જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી-ધંધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ધંધા ચોપટ થાય તેવી સ્થિતિ સર્જાણી છે અને રોજગારી ઉપર ભારે મોટો ફટકો પડી રહયો છે જેને લઈને મનપાની આ કામગીરી સામે તીવ્ર આક્રોશ ઉઠવા પામ્યો છે.
સમસ્યાનાં ગઢ ગણાતા જૂનાગઢ શહેરમાં મનપાની આડેધડ કામ કરવાની પધ્ધતિને લઈને લોકો અનેક સુવિધાથી વંચિત છે તેમજ ભારે હાલાકીનો સામનો કરી રહયા છે. આ દરમ્યાન નવરાત્રી અને દીવાળીનાં તહેવારોને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહયા છે ત્યારે તહેવારોનાં ટાંકણે જ લોકોનાં વેપાર-ધંધાને ભારે મોટી અસર પડે તેવી કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ થઈ છે. મળતી વિગત અનુસાર રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીના માર્ગને ગઈકાલ તા. ર૯ સપ્ટેમ્બરથી તા. રપ નવેમ્બર દરમ્યાન ભુગર્ભ ગટર ફેઝ-ર યોજનાનાં કામને લઈને આ રસ્તો બંધ કરવામાં આવેલ છે અને રસ્તા ખોદકામ કરવાની કામગીરી શરૂ થઈ ચુકી છે. જેને લઈને આ વિસ્તારમાં એટલે કે રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીનાં વિસ્તારમાં સંખ્યાબંધ વેપાર-ધંધા રોજગાર માટેની દુકાનો આવેલી છે અને તેના વેપારને ભારે મોટી તકલીફનો સામનો કરવો પડી રહયો છે. તહેવારોનાં ટાંકણે ધંધો રોજગાર છીનવી લેવાનાં મનપાનાં અણઘડ નિર્ણયથી ભારે રોષ ઉઠવા પામેલ છે.
તહેવારોનાં દિવસોમાં પંચરવાળાથી માંડી અને વિવિધ ધંધા રોજગાર કરી અને રોજગારી મેળવતા લોકોની રોજગારી છીનવાઈ જાય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે મનપા દ્વારા અસરગ્રસ્ત ધંધાર્થીઓને માટે ખાસ રાહત પેકેજ આપવાની લાગણી અસરગ્રસ્તો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.