શેરબજારે ઈતિહાસ રચ્યો : સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ

શેરબજારે ઈતિહાસ રચ્યો : સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ

(એજન્સી)          મુંબઈ, તા.૨૭:
શેરબજારે આજે ઇતિહાસ રચ્યો છે. ગત વર્ષે સપ્ટેમ્બરથી બજાર તેના રેકોર્ડ ઉચ્ચ સપાટીથી નીચે ટ્રેડ કરી રહ્યું હતું, પરંતુ આજે તે રેકોર્ડ ઉચ્ચ સપાટીએ પહોંચી ગયુું છે. નિફ્ટી૫૦ આજે લગભગ ૯૦ પોઈન્ટ વધીને ૨૬,૨૯૫.૫૫ પર પહોંચ્યો છે, જે તેનો રેકોર્ડ ઉચ્ચ સપાટી છે.
શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દૌર શરૂ થયો હોય તેમ આજે નવો ઇતિહાસ રચાયો હતો. ઓલરાઉન્ડ લેવાલી વચ્ચે મોટા ભાગના શેરોમાં ઉછાળો સાથે સેન્સેકસ તથા નિફટી નવી ઉંચાઇએ પહોંચી ગયા હતા. સેન્સેકસ ૮૬,૦૦૦ની સપાટી કુદાવીને ઉંચામાં ૮૬૦૨૬ થયો હતો. 
નિફટી ૨૬૩૦૬ની નવી ટોચે પહોંચ્યો હતો. 
શેરબજાર તેજીના નવા દૌરમાં આવ્યું હોય તેમ બુધવારના જોરદાર ઉછાળા બાદ આજે પણ સુધારાનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. વિશ્વ બજારોના પોઝીટીવ સંકેતો તથા તેજીના માનસ વચ્ચે શરૂઆત પ્રોત્સાહક ટોને થઇ હતી. મોટા ભાગના શેરોમાં લેવાલી રહેતા તેજી આગળ ધપતી રહી હતી.
રશિયા-યુક્રેન વચ્ચેનું યુધ્ધ ગમે ત્યારે સમાપ્ત થવાની  જાહેરાત થવાના આશાવાદ હેઠળ મનોવૃતિ બદલાઇ હતી. ભારતમાં આર્થિક વિકાસ અને આવતા સપ્તાહમાં રીઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી અટકળોથી પણ તેજીને ટેકો મળ્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટનું માનસ જ તેજીનું બની ગયું છે અને આ દૌર આગળ ચાલી શકે છે.